મોરબી વીજલાઈન વળતર મુદે જીલ્લા કલેકટરની પત્રકાર પરિષદ, ખેડૂતે વળતર મામલે સંતોષ વ્યક્ત કર્યો

 

મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી સરકારશ્રીના તા. ૦૪/૦૭/૨૦૨૬ના નવા ઠરાવ અન્વયે નવા ભાવ નિર્ધારિત કરવા પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC) ની બેઠક જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી જે અંગે જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

જીલ્લા કલેકટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપની પ્રતિનિધિઓ અને વેલ્યુઅરોની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅરો દ્વારા આપેલા બંધ કવરોમાંથી લોટરી પદ્ધતિથી યાદચ્છિક રીતે બે ચિઠ્ઠી પસંદ કરી ૧૫ જેટલા સર્વે નંબરોના ભાવ પારદર્શક રીતે નક્કી કરવામાં આવ્યા હતા. નવી નીતિના પરિણામે ખેડૂતોને ૪૦૦% થી વધુ વળતર નક્કી થયું છે. ઉદાહરણ તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર ૧૫૦ પૈકી ૯ માં જૂની DLVC પદ્ધતિ મુજબ પ્રતિ ચોરસ મીટરે ૮૫ ટકા પ્રમાણે રૂ. ૯૭૯ ના ભાવે ખેડૂતને રૂ. ૧૪.૫૭ લાખ મળવાપાત્ર હતા, તેની સામે નવી MRC કમિટીમાં રૂ. ૧૯૪૫ ભાવ નક્કી થતાં તેના ૨૦૦ ટકા પ્રમાણે ખેડૂતને રૂ. ૫૮.૬૧ લાખ ચૂકવાશે જે મુજબ ૪ ગણાથી વધુ ભાવ મળશે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારશ્રીના નિયમો મુજબ અલગથી ચૂકવવામાં આવશે.

સરકારના નિર્ણય અને MRC કમિટી અંગે વેગડવાવ ગામના ખેડૂત ચાવડા ભાવેશભાઈએ કમિટી દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી સંતોષ અને ન્યાય મળ્યાની અનુભૂતિ વ્યક્ત કરી હતી.તેને ત્રણ સર્વે નંબરમાંથી થાંભલા અને તાર પસાર થાય છે જેમાં તેને એક સર્વે નંબરમાં ૧૫.૫૦ લાખને બદલે ૪૪.૫૦ લાખ, બીજા સર્વે નંબરમાં ૯ લાખના સ્થાને ૧૦ લાખ અને ત્રીજા સર્વે નંબરમાં ૧૭ લાખના સ્થાને ૪૦ લાખનું વળતર મળવાનું છે જેથી ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.