મકનસરમાં ગાળો આપવાની બાબતે ધીંગાણું: હુમલા બાદ સામસામે ફરિયાદ

મોરબી તાલુકાના મકનસરના પ્રેમજીનગરમાં બોલાચાલી થતાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ બનાવમાં બંને પક્ષે એકબીજા પર છરી, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવા અંગે તેમજ ગાળો આપી જાતિપ્રત્યે હડધૂત કર્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે.

પ્રથમ ફરિયાદ મુજબ, પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ પરમારે નોંધાવેલી વિગતો અનુસાર, જયેશભાઈ શેખવા નામનો શખ્સ ફરિયાદીના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપતા હતા. જ્યારે ફરિયાદી પ્રેમજીભાઈએ તેમને આ અંગે પૂછતાં, ઉશ્કેરાયેલા જયેશભાઈએ છરી જેવા ધારદાર હથિયારથી પ્રેમજીભાઈના ડાબા ખભાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા ગોરધનભાઈ કોળીને પણ હાથના ભાગે છરી વાગતા ઈજા થઈ હતી.

બીજી તરફ, જયેશભાઈ શેખવાએ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગોરધનભાઈ કોળી અને અન્ય શખ્સોએ તેમને ગાળો આપતા તેમણે ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાઈને ગોરધનભાઈ કોળી, વિનુભાઈ અરજણભાઈ પરમાર, પ્રેમજીભાઈ ઉર્ફે સંજય અરજણભાઈ પરમાર, ભીખાભાઈ ગોરધનભાઈ કોળી, રવીભાઈ ગોરધનભાઈ કોળી અને ગાંડુભાઈ ગોરધનભાઈ કોળી નામના શખ્સોએ ફરિયાદીના ઘરે જઈ લાકડી અને પાઈપ વડે આડેધડ માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી તથા જાતિપ્રત્યે અપમાનજિત કરી ધમકી આપી હતી. સામસામે ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.