મોરબી માર્કેટિંગ યાર્ડની પાંચમી વખત યોજાનાર ચુંટણી માટે કુલ ૩૩ ફોર્મ ભરાયા
ખેડૂત વિભાગમાં ૨૬ જયારે વેપારી વિભાગમાં ૦૭ ઉમેદવારી ફોર્મ ભરાયા તા. ૦૨ ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, તા. ૦૯ ના રોજ મતદાન


મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૨૬ ફોર્મ જયારે વેપારી વિભાગની ૦૪ બેઠક માટે ૦૭ ફોર્મ મળીને કુલ ૩૩ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જે ફોર્મની ચકાસણી રવિવારે કરવામાં આવશે અને ૦૨ સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે તા. ૦૯ ના રોજ મતદાન અને તા. ૧૦ ના રોજ મત ગણતરી કરવામાં આવનાર છે
મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ભાજપનો દબદબો રહ્યો છે છેલ્લા બે-ત્રણ દાયકાથી મોરબી જીલ્લો ભાજપનો ગઢ બની ગયો છે અને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો દબદબો રહ્યો છે જોકે મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો માટે એટલી આસાન લાગતી નથી કારણકે વીજ લાઈન વળતર મુદે ત્રણ માસથી આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતો લડી લેવાના મૂડમાં ગામો ગામ ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવી ચુક્યા છે અને સહકારી ક્ષેત્રમાં ખેડૂતોના મતો ઉપર જ સમગ્ર દારોમદાર હોય જેથી યાર્ડની ચુંટણી જંગ ભાજપ જીતી શકશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં વર્ષ ૧૯૯૫ માં હાલના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાન્તિલાલ અમૃતિયા તેમજ પૂર્વ સાંસદ અને ભાજપ અગ્રણી મોહનભાઈ કુંડારિયા પણ હારી ચુક્યા છે
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૫૦૭ મતદારો છે અને વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે ૫૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને ૧૫૫૮ મતદારો ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડની મુદત પૂર્ણ થતા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે મોરબી યાર્ડમાં માત્ર ચાર વખત જ ચુંટણી યોજાઈ છે વર્ષ ૧૯૮૮, ૧૯૯૫, ૨૦૦૧ અને ૨૦૨૧ માં ચુંટણી યોજાઈ હતી અને તાજેતરની પાંચમી ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ આજે ભરાઈ ચુક્યા છે
યાર્ડની ચુંટણી અંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાએ જણાવ્યું હતું કે ખેડૂતો લાંબા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોના કાળજાના કટકા સમાન ખેતરમાં થાંભલા નાખવામાં આવે છે જેના વિરોધમાં ખેડૂતો સાથે બહેનો-દીકરીઓ મેદાને ઉતરી છે અને યાર્ડની ચુંટણીમાં ખેડૂતના દીકરીઓ પરિવર્તન લાવવા તૈયાર છે જેથી ખેડૂત પરિવર્તન પેનલ બનાવી છે અને મોરબી જીલ્લામાં ભાજપનું એકચક્રી શાસન છે તે તોડવાનો પ્રારંભ મોરબી યાર્ડથી શરુ થશે ખેડૂતોએ સરકારને જવાબ આપવો હોય તો એ જ માધ્યમ છે ચુંટણી અને ખેડૂતો પરિવર્તન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપને જાકારાની મોરબી યાર્ડથી શરૂઆત થશે તેમ અંતમાં જણાવ્યું હતું

