‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ – ૨૦૨૬’ બનશે ઉદ્યોગસાહસિકો માટે પ્રેરકબળ : MSME ક્ષેત્રના વિકાસ માટે સરકાર દ્વારા અપાશે આકર્ષક નાણાકીય સહાય અને સબસિડી

૧ જૂન ૨૦૨૬થી ૩૧ મે ૨૦૩૧ સુધી અમલી બનનારી આ નવી નીતિથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મળશે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાની તાકાત  સ્વનિર્ભર નાણાકીય વ્યવસ્થા ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ટર્મ લોનની શરત હટાવવા સાથે મૂડી સબસિડી, વ્યાજ સહાય અને વીજળી દરમાં રાહત જેવા અનેકવિધ લાભો સુનિશ્ચિત

 

‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ ના સંકલ્પને સાકાર કરવા તથા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ ઉંચાઈઓ પર લઈ જવાના ઉમદા હેતુસર ગુજરાત સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ – ૨૦૨૬’ જાહેર કરવામાં આવી છે. આ નીતિ રાજ્યના ઉદ્યોગસાહસિકો અને નવા સાહસ શરૂ કરવા ઈચ્છુક યુવાનો માટે આર્થિક પ્રેરકબળ સાબિત થવા જઈ રહી છે. આગામી ૧ જૂન ૨૦૨૬થી ૩૧ મે ૨૦૩૧ સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે અમલી બનનારી આ નીતિ હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને વ્યાપક નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવશે.

ઉદ્યોગોને સરળતાથી યોજનાઓનો લાભ મળે તે માટે મશીનરી અને પ્લાન્ટમાં કરવામાં આવતા કુલ સ્થિર મૂડીરોકાણના આધારે MSME ની શ્રેણીઓ નિર્ધારિત કરવામાં આવી છે. જે અનુસાર રૂ. ૨.૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમો ‘સૂક્ષ્મ’ (Micro), રૂ. ૨.૫ કરોડથી વધુ અને રૂ. ૨૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમો ‘લઘુ’ (Small) તથા રૂ. ૨૫ કરોડથી વધુ અને રૂ. ૧૨૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમો ‘મધ્યમ’ (Medium) ઉદ્યોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ નીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે સ્વનિર્ભર નાણાકીય વ્યવસ્થાથી શરૂ થતા પ્રોજેક્ટ્સ પણ પાત્ર બનશે અને ટર્મ લોન લેવી ફરજિયાત નથી.

રાજ્યમાં નવા ઉદ્યોગોની સ્થાપના, વિસ્તરણ અને વૈવિધ્યકરણને વેગ આપવા માટે તાલુકાઓની શ્રેણી મુજબ વિશેષ મૂડી સબસિડીની જોગવાઈ કરાઈ છે. કેટેગરી ‘A’ હેઠળના વિસ્તારોમાં પાત્ર મૂડીરોકાણના ૩૫% અને કેટેગરી ‘B’ હેઠળ ૨૫% સુધીની મૂડી સબસિડી મળવાપાત્ર છે. આ ઉપરાંત, બેંક લોન પર ૫ વર્ષ સુધી ૭% વ્યાજ સહાય આપવામાં આવશે, જેમાં મહિલા ઉદ્યોગસાહસિકો, નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ અને ૩૫ વર્ષથી ઓછી ઉંમરના પ્રથમ પેઢીના સાહસિકો માટે વધારાની ૧% વ્યાજ સહાયની વિશેષ જોગવાઈ છે. વીજ વપરાશને સરળ બનાવવા પાંચ વર્ષ સુધી કેટેગરી ‘A’ માં પ્રતિ યુનિટ ₹૨ અને કેટેગરી ‘B’ માં પ્રતિ યુનિટ ₹૧ ની વીજળી દર સહાય તેમજ વીજળી ડ્યૂટીમાંથી મુક્તિ જેવી રાહતો પણ સામેલ છે.

ઉદ્યોગોને આધુનિક બનાવવાની સાથે કર્મચારીઓની સુખાકારી માટે આ નીતિમાં અનેકગણી સહાય અપાઈ છે. નવા કર્મચારીઓ માટે ૧૦ વર્ષ સુધી EPF સહાય (મહિલા કર્મચારીઓ માટે ₹૨,૫૦૦ સુધી અને દિવ્યાંગો માટે ₹૩,૦૦૦ સુધી માસિક મર્યાદા), ERP સિસ્ટમ માટે ૬૫% (મહત્તમ ₹૧ લાખ), ગુણવત્તા પ્રમાણપત્ર માટે ૫૦% (મહત્તમ ₹૧૦ લાખ), પેટન્ટ નોંધણી માટે ૭૫% (મહત્તમ ₹૨૫ લાખ) તથા ભાડા સહાયમાં સામાન્ય માટે ૬૫% અને મહિલા માલિકીના એકમ માટે ૭૫% (મહત્તમ ₹૩ લાખ પ્રતિ વર્ષ) સહાય આપવામાં આવશે.

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ ગુડ્સ, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોન ઉત્પાદન જેવા વિશેષ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે ૧૦૦% સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર માટે મહત્તમ ₹૫ કરોડ સુધીની સહાય, કર્મચારી તાલીમ માટે પ્રતિ કર્મચારી ₹૮,૦૦૦ પ્રતિ માસ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સબ્સ્ક્રિપ્શન માટે ૮૦% (મહત્તમ ₹૧ લાખ પ્રતિ વર્ષ) સુધીની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ઉત્પાદન શરૂ થયાની તારીખથી છ મહિનાની અંદર સબસિડી અને સહાય માટે અરજી કરવાની રહે છે. મોરબી સહિત સમગ્ર ગુજરાતના ઉદ્યોગસાહસિકો આ નીતિનો મહત્તમ લાભ મેળવીને આત્મનિર્ભર બને અને રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવો રાજ્ય સરકારનો સંકલ્પ છે. વધુ માર્ગદર્શન માટે સ્થાનિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) નો સંપર્ક સાધી શકાશે.

 

Leave A Reply

Your email address will not be published.