ટંકારા મામલતદાર કચેરી નજીક જર્જરિત આંગણવાડી તાત્કાલિક પાડી નવી બનાવવા માંગ

 

ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા દ્વારા મામલતદાર કચેરીની બાજુમાં જ આવેલ ” ૩૧૨” નંબરની આંગણવાડી એકદમ જર્જરિત થઈ ગઈ છે જેને પાડીને તાત્કાલિક નવી બનાવવા લતાવાસીઓ ને સાથે રાખીને મામલતદાર, ચીફ ઑફિસર અને સી ડી પી ઓ ટંકારાને લેખીત રજુઆત કરી હતી.

આ આંગણવાડી એકદમ ભયજનક સ્થિતિમાં હોવાથી અને ગમે ત્યારે ધ્વંસ થઈ મોટી દુર્ઘટના સર્જાય તેમ હોવાથી આંગણવાડીમાં ભણતા બાળકો ને જાનહાની ના થાય એ માટે બે, ત્રણ વર્ષ થી સદંતર બંધ કરી દેવામાં આવી છે અને મોરબી, રાજકોટ હાઈવે કાઠે આવેલ જુની પી ડબલ્યુ ડી ની શાખાના એક જૂના મકાનમાં આંગણવાડી તરીકે કાર્યરત છે. ત્યાં જતાં એકદમ પછાતવર્ગના ૪૦,૫૦ બાળકો ને દરરોજ હાઈવે રોડ ઓળંગવો પડે છે અને ક્યારેક અકસ્માત સર્જાય અને જાનહાની થાય એવો સતત ભય વાલીઓને રહે છે.

અગાઉ પણ ટંકારા ગ્રામ પંચાયત દ્વારા સી ડી પી ઓ ટંકારા ને ઠરાવ કરી વહેલી તકે નવી આંગણવાડી બનાવવા લેખીત રજુઆત કરેલ છે પરંતુ આજદિન સુધી ત્યાં નવી આંગણવાડી બની નથી અને જુની જર્જરિત હાલતમાં ઉભેલી  આંગણવાડી કોઈ દુર્ઘટના ઘટે એની રાહ જોઈ રહી છે. લતાવાસીઓ દ્વારા તાત્કાલિક નવી આંગણવાડી બનાવવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો એવી ચીમકી ઉચ્ચારી છે.

હેમંતભાઈ ચાવડા, દિનેશભાઈ ગોહેલ, મુમતાઝબેન સલમાબેન, અમીનાબેન, હસીનાબેન, રંભા બેન વગેરે લતાવાસીઓ એ મૌખિક રજૂઆત કરી હતી.

 

Leave A Reply

Your email address will not be published.