મોરબીના કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત અને પાર્કિંગમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ સુવિધા આપવા માંગ
જાગૃત યુવાન દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી



મોરબી શહેરના વોર્ડ ૦૩ માં આવેલ સેવા સદન, કોર્ટ પરિસર, લાલ બાગ સરકારી વસાહત અને જાહેર ગાર્ડન તેમજ પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ સુવિધા આપવાની માંગ સાથે જાગૃત નાગરિક ચિંતનભાઈ રાજ્યગુરુએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે
મોરબી શહેરના વોર્ડ નં.૦૩ ખાતે આવેલા સેવા સદન, કોર્ટ પરિસર તથા લાલ બાગ સરકારી વસાહત વિસ્તારમાં હાલમાં પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી. આ વિસ્તાર અત્યંત મહત્વનો સરકારી વિસ્તાર છે, જ્યાં વિવિધ સરકારી કચેરીઓ, સેવા સદન તેમજ કોર્ટ પરિસર આવેલ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વકીલશ્રીઓ, અરજદારો તથા સામાન્ય નાગરિકોની અવરજવર રહે છે. રાત્રિના સમયે પણ સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ આ માર્ગોનો ઉપયોગ કરે છે.
લાલ બાગ સરકારી વસાહતની બાજુમાં આવેલ જાહેર ગાર્ડનમાં દરરોજ સવારે તથા સાંજના સમયે સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ, વડીલો અને બાળકો આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ તથા ચાલવા માટે આવે છે. પરંતુ પૂરતા પ્રકાશના અભાવે રાત્રિના સમયે અસુરક્ષાની લાગણી અનુભવાય છે. લાલ બાગના પાછળના ભાગમાં આવેલ પાર્કિંગ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટનો અભાવ હોવાથી રાત્રિના સમયે સ્થાનિક રહેવાસીઓ, સરકારી અધિકારીઓ તથા અન્ય નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મહિલાઓ, બહેનો અને દીકરીઓ પણ આ વિસ્તારમાંથી પસાર થાય છે. પૂરતા પ્રકાશના અભાવે તેઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ, અસુવિધા અથવા અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ રહે છે. તેથી તેમની સુરક્ષા તથા નિર્ભય અવરજવર સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.
સ્ટ્રીટ લાઇટની યોગ્ય વ્યવસ્થા થવાથી સમગ્ર વિસ્તારમાં જાહેર સુરક્ષામાં વધારો થશે, નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે, સરકારી કચેરીઓમાં આવતા લોકો તથા સ્થાનિક રહેવાસીઓને રાત્રિના સમયે અવરજવર કરવામાં સરળતા રહેશે અને મહિલાઓ, બહેનો તથા દીકરીઓ પણ નિર્ભયતાથી અવરજવર કરી શકશે જેથી જનહિત અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સેવા સદન, કોર્ટ પરિસર, લાલ બાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા લાલ બાગના પાછળના ભાગમાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે