હળવદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો-બેફામ ગંદકી મામલે કોંગ્રેસ આક્રમક

 

હળવદ નગરપાલિકા વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને વહીવટી પોલ ખોલતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડની અંદર જ ચારેય તરફ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી થેલીઓ ખુલ્લેઆમ જોવા મળી હતી. આ બાબતે રોષે ભરાયેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાપક્ષ સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

નગરપાલિકાના પ્રાંગણ જેવી સંવેદનશીલ અને સરકારી જગ્યા પર નશાકારક પદાર્થોના અવશેષો મળવાને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જે શહેરમાં નાગરિકોની સુખાકારી અને સ્વચ્છતાની જવાબદારી પાલિકાની છે, તે જ પાલિકાનું કમ્પાઉન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. કચેરીના પ્રાંગણમાં જ દારૂની બોટલો અને થેલીઓ મળવી એ તંત્રની નિષ્ક્રિયતાની પરાકાષ્ઠા દર્શાવે છે.

 

આ ગંભીર મામલે કોંગ્રેસ દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ૨૪ કલાકની અંદર નગરપાલિકાના પ્રાંગણમાં પડેલી દારૂની ખાલી બોટલો, ગંદકી અને દેશી દારૂની કોથળીઓ હટાવવામાં નહીં આવે, તો ઉગ્ર પગલાં ભરવામાં આવશે. જો તંત્ર નિદ્રામાંથી નહીં જાગે, તો કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી સમક્ષ રામધૂન બોલાવીને અનન્ય અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ ઘટના બાદ હળવદ નગરપાલિકાના સત્તાધીશો સામે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે આખરે સરકારી સંકુલમાં આ અસામાજિક પ્રવૃત્તિઓ કોના આશીર્વાદથી ચાલી રહી છે?

Leave A Reply

Your email address will not be published.