મોરબીમાં ૭ લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વેપારીને જાનથી મારવાની ધમકી

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેમાં વધુ એક વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. માસિક ૬૦ ટકા જેટલા તોતિંગ વ્યાજ દરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરતા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ મુદ્દલ રકમ જેટલું વ્યાજ ભરી દીધું હોવા છતાં આરોપી દ્વારા ઉઘરાણી માટે દબાણ કરી ગુનાહિત ધમકી આપવામાં આવતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

બનાવની વિગત મુજબ, મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વેપારી પ્રકાશભાઇ પ્રવિણભાઇ ભોરણીયાએ પોતાની જરૂરિયાત માટે માળિયાના કાજેરડા ગામના સાજીદ જાનમામદભાઇ કાજેડીયા પાસેથી રૂ. ૯ લાખ ૬૦% વ્યાજે લીધા હતા. વેપારીએ અત્યાર સુધીમાં કુલ રૂ. ૭,૦૨,૦૦૦ જેટલી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી આપી હતી. આમ છતાં, વ્યાજખોરની લાલચ સંતોષાઈ નહોતી.

આટલું વ્યાજ મેળવ્યા બાદ પણ આરોપીએ મુદ્દલના ૯ લાખ રૂપિયા તાત્કાલિક પરત ભરી દેવા માટે વેપારી પર દબાણ શરૂ કર્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે નાણાં બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.