

ટંકારાના મેઘપર ઝાલા ગામની સીમમાં જમીન માપણી અને શેઢા પર ખૂંટા મારવાની સામાન્ય બાબતમાં પાડોશી વાડી માલિકના બે પુત્રોએ ખેડૂતના ૨૨ વર્ષના પુત્ર હર્ષવર્ધનસિંહ અને તેના કાકા તેમજ ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયપાલસિંહ (ઉં.વ. ૪૦) પર છરી વડે આડેધડ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે કાકા-ભત્રીજા બંનેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ડબલ મર્ડર થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા છે.
હત્યા પાછળનું મુખ્ય કારણ દાયકા જૂનો મૌખિક જમીન સોદો અને વર્તમાન માપણી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખૂલ્યા મુજબ, આરોપીએ અગાઉ મરણ જનાર પરિવાર પાસેથી જમીન લીધી હતી અને ત્યારબાદ ત્રીજી જ વ્યક્તિને આપી હતી. આ તમામ સોદાબાજી માત્ર મૌખિક ધોરણે થઈ હતી. પાછળથી મરણ જનારે આ જમીન પરત મેળવી લીધી હતી. આ ઘટનાના ૧૦ વર્ષ બાદ, જ્યારે ફરિયાદી પરિવાર પોતાની ભોગવટાની આ જમીનની સરકારી માપણી કરાવીને શેઢા પર ખૂંટા મારી રહ્યો હતો, ત્યારે બાજુની વાડી આરોપીઓની હોવાથી તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. આ માપણી ગમતી ન હોવાથી, એસટી વિભાગમાં નોકરી કરતો આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પોતાની ફરજ પરની બસ અધવચ્ચે મૂકીને તેના ભાઈ તેજપાલસિંહ સાથે બાઈક પર ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને ઉશ્કેરાઈને બંને કાકા-ભત્રીજા પર તીક્ષ્ણ છરીઓ વડે તૂટી પડ્યો હતો.
આ ચકચારી ડબલ મર્ડરની ઘટના બાદ ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપી ભાઈઓ મહાવીરસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલાને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલી ૨ નંગ તીક્ષ્ણ છરી, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ36D3272, કિંમત રૂ. ૨૦,૦૦૦), હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ03DB4180, કિંમત રૂ. ૨૦,૦૦૦) તેમજ રૂ. ૧૦,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.