મોરબી મહાનગરપાલિકામાં ભાજપે ગણતરીના ઉમેદવારો રીપીટ કર્યા, અસંતુષ્ટોની અપક્ષ ઉમેદવારી
ભાજપમાં ટીકીટ વહેંચણીને લઈને ભયંકર અસંતોષ સામે આવ્યો પક્ષના જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી કરી દેખાડી દેશુંનો હુંકાર કર્યો




મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે અને ભાજપ દ્વારા શુક્રવારે મોડેથી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જોકે ભાજપે મોટાભાગના નગરસેવકોને રીપીટ નહિ કરતા જુના જોગીઓ લડી લેવાના મૂડ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ચુંટણી પરિણામો પર કેવી અસર થશે તે જોવું રહ્યું
મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે ૫૨ બેઠકોમાંથી ગત ટર્મમાં ચુંટણી લડેલા પૈકી ગણતરીના ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે જેમાં ગીતાબેન સારેસાના સ્થાને મનસુખભાઈ સારેસાને વોર્ડ નં ૦૨ માંથી, વોર્ડ ૦૭ માંથી મમતાબેન ઠાકર, વોર્ડ નં ૧૦ માંથી અલ્પાબેન કણઝારીયા, વોર્ડ ૧૨ માંથી મેઘાબેન પોપટ અને બ્રિજેશભાઈ કુંભારવાડિયા, તેમજ વોર્ડ ૧૩ માંથી જશવંતીબેન સોનાગ્રા અને ભાવિકભાઈ જારીયાને રીપીટ કરવામાં આવ્યા છે તો મહાનગરપાલિકા બનતા ગામડાઓનો સમાવેશ કરાયો છે અને ગત ટર્મમાં જીલ્લા પંચાયત ચુંટણી જીતેલા જયંતીભાઈ પડસુમ્બીયાને વોર્ડ ૦૧ માંથી તેમજ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલાના પતિ જીજ્ઞેશભાઈ કૈલાને વોર્ડ નં ૦૩ માંથી ટીકીટ આપવામા આવી છે
ભાજપે નો રીપીટ થીયરીનો મહદઅંશે અમલ કર્યો છે અને ૫૨ માંથી માત્ર કેટલાક ઉમેદવારોને રીપીટ કરવામાં આવતા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અસંતુષ્ટો અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે અને અપક્ષ ઉમેદવારોએ આજે મોટી સંખ્યામાં ફોર્મ ભરી દેતા પરિણામો પર શું અસર થશે તેની ચર્ચા જોવા મળી રહી છે
ભાજપના જુના જોગીઓએ અપક્ષ ઉમેદવારી કરી
મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચુકેલા દેવાભાઈ અવાડીયાને ટીકીટ નહિ મળતા તેમના પુત્ર અમિતભાઈ સહિતના વોર્ડ ૦૧ માં ગત ટર્મમાં ચુંટણી જીતી ચુકેલા ચાર ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે ઉપરાંત ગત ટર્મમાં વોર્ડ ૦૪ માંથી ગીરીરાજસિંહ ઝાલા જીત્યા હતા જેને ટીકીટ નહિ મળતા તેમના પત્ની સંગીતાબાએ વોર્ડ ૦૫ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેમજ વોર્ડ નં ૦૮ માંથી ક્રિષ્નાબેન દશાડીયાને ટીકીટ નહિ મળતા તેઓએ વોર્ડ ૮ અને ૧૨ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ ૧૧ માંથી જીતેલા હર્ષદભાઈ કણઝારીયાને ટીકીટ નહિ મળતા તેઓએ વોર્ડ ૧૦ માંથી અપક્ષ ઉમેદવારી કરી છે
ટીકીટ કપાતા મંત્રી કાન્તીભાઈ અમૃતિયા સાથે ચકમક
વોર્ડ ૦૫ માંથી જીતેલા સીતાબા અનોપસિંહ જાડેજાને ટીકીટ નહી મળતા સીતાબા અને પતિ અનોપસિંહ બંનેએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી પત્ર રજુ કરવા જતી વખતે મંત્રી કાન્તીભાઈ અમૃતિયા ત્યાં આવી પહોંચતા ચકમક ઝરી હતી ટીકીટ કપાતા મંત્રી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો