મોરબીના હરીપર (કેરાળા) ગામે બોલાચાલી બાદ પાઈપ અને લાકડી વડે હુમલો, બે ભાઈને માથામાં ટાંકા આવ્યા

મોરબીના હરીપર (કેરાળા) ગામના ઝાંપા પાસે મકાન ભાડા અંગે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા એક જ પરિવારના પાંચ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી બે ભાઈઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, હરીપર (કેરાળા) ગામે રહી કરિયાણાની દુકાન ચલાવતા અમિતભાઈ જયંતીલાલ હળવદિયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણ સુરેશભાઇ પાંચીયા, મેહુલ સુરેશભાઇ પાંચીયા, હીરાભાઇ સુરેશભાઇ પાંચીયા, સુરેશ ઘેલાભાઇ પાંચીયા અને ભરત સુરેશભાઇ પાંચીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી ગામના ઝાંપા પાસે હતા. તે દરમિયાન લક્ષ્મણ પાંચીયાને મકાનનું ભાડું પહોચાડવાનું કહેતા લક્ષ્મણ અને મેહુલ સુરેશભાઇ પાંચીયાએ તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી લક્ષ્મણએ લોખંડના પાઈપ વડે તથા મેહુલ, હીરાભાઇ સુરેશભાઇ પાંચીયા અને સુરેશભાઇ ઘેલાભાઇ પાંચીયાએ લાકડીઓ વડે ફરિયાદી પર હુમલો કરી માર મારતા તેમને માથાના ભાગે આશરે ચાર ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી હતી. આ સમયે વચ્ચે પડેલા ફરિયાદીના નાના ભાઈ દિપેશને મેહુલભાઇએ ગાળો આપી ધમકી આપી હતી, જ્યારે ભરતભાઇ સુરેશભાઇ પાંચીયાએ પાછળથી આવી ગાળો આપી ધમકી આપી હતી અને લક્ષ્મણભાઇએ લોખંડના પાઈપ વડે દિપેશભાઇને માથામાં માર મારતા તેમને પણ માથામાં આશરે પાંચ ટાંકા આવ્યા હતા. આ અંગે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.