




ઇજનેરી શિક્ષણની સાથે જ્ઞાન, સંશોધન અને ઐતિહાસિક વારસાને સાચવતી એલ.ઈ. (લખધીરસિંહજી એન્જિનિયરિંગ) કોલેજની લાઇબ્રેરીનો પુસ્તકસંગ્રહ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. લાઇબ્રેરીની મુલાકાત દરમિયાન કોલેજના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ કે. મેવાડાએ પુસ્તકાલયની વિશેષતાઓ, વિવિધ ઇજનેરી વિભાગો અને વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની ઉપયોગિતા અંગે માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, આ કોલેજમાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઇજનેરીનો અભ્યાસ કરી ચૂક્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તે માટેબીઅહીંની એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં અંદાજે ૪૨ હજાર પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે. તેમાં ઇજનેરી તથા વિવિધ શૈક્ષણિક વિષયોને લગતાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકસંગ્રહ વિદ્યાર્થીઓને અભ્યાસ, ટેક્નિકલ જ્ઞાન, સ્વઅધ્યયન અને સંશોધન માટે ઉપયોગી બને છે.
પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ કે. મેવાડાએ જણાવ્યું હતું કે કોલેજમાં હાલમાં સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને આઈ.ટી. સહિતના ઇજનેરી વિભાગો કાર્યરત છે. આ ઉપરાંત, કોલેજમાં માસ્ટર ઑફ એન્જિનિયરિંગ (M.E.)ના અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ માટે વિષયને અનુરૂપ પુસ્તકો અને અભ્યાસbસામગ્રીનું મહત્ત્વ વિશેષ છે.
રાજાશાહી સમયનાં પુસ્તકો જ્ઞાનના વારસાની સાક્ષી
લાઇબ્રેરીની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે અહીં આધુનિક શૈક્ષણિક પુસ્તકોની સાથે રાજાશાહીના સમયનાં પુસ્તકો તેમજ આશરે ૮૦ વર્ષ જૂનાં પુસ્તકો પણ સચવાયેલાં છે. આ પુસ્તકો તે સમયની જ્ઞાનપરંપરા, પ્રકાશનશૈલી અને અભ્યાસની પદ્ધતિઓની ઝાંખી કરાવે છે. જૂનાં પુસ્તકોના કાગળ અને છાપકામની વિશેષતાઓ પણ આ સંગ્રહને ઐતિહાસિક દૃષ્ટિએ રસપ્રદ બનાવે છે.
લાઇબ્રેરીના ઇન્ચાર્જ અને આસી.પ્રોફેસર શ્રી પાર્થ શાહ એ પણ પુસ્તકસંગ્રહની જાળવણી અને લાઇબ્રેરીની વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. જૂનાં અને નવાં પુસ્તકોનો સંગ્રહ જાળવી રાખવો એ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત જ્ઞાનના વારસાને સાચવવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ છે.
વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને સંશોધનનું કેન્દ્ર
એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને જ્ઞાનસામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે. વિવિધ ઇજનેરી શાખાઓના વિદ્યાર્થીઓ માટે ટેક્નિકલ પુસ્તકોની ઉપલબ્ધતા અભ્યાસને વધુ સુવ્યવસ્થિત બનાવે છે. સાથે જ, જૂનાં અને ઐતિહાસિક પુસ્તકોનો સંગ્રહ વાચન તથા સંશોધન માટે એક વિશેષ તક પૂરી પાડે છે.
લાઇબ્રેરી માત્ર પુસ્તકો રાખવાનું સ્થળ નથી, પરંતુ તે જ્ઞાન, સંશોધન અને શૈક્ષણિક વિકાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે.આશરે ૪૨ હજાર ઈજનેરી પુસ્તકોનો સંગ્રહ જાળવણી એલ.ઈ. કોલેજની શૈક્ષણિક પરંપરાને ઉજાગર કરે છે.
આમ, એલ.ઈ. કોલેજની લાઇબ્રેરી આધુનિક ઇજનેરી શિક્ષણ અને ઐતિહાસિક પુસ્તકવારસાનો સમન્વય રજૂ કરે છે, જે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રાપ્તિ અને સંશોધનના ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય છે.




