

મોરબીના નવલખી રોડ પર પડોશમાં ચાલતા કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડી સમાધાન કરાવવા ગયેલા એક યુવાન પર ત્રણ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઝઘડો શાંત કરાવી પરત ફરી રહેલા યુવાનને પાછળથી આંતરીને ધારીયાના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, નવલખી રોડ પર રહેતા દીપકભાઈ આંત્રેસાના પડોશમાં વિક્રમભાઈ ડાભી અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થતો હોય, દીપકભાઈ તેમને છોડાવવા ગયા હતા. આ દરમિયાન વિક્રમભાઈ દોડીને બાજુમાં આવેલી જગદીશભાઈ સરવૈયાની વાડીએ પહોંચ્યા હતા, જ્યાં આરોપી જગદીશ સરવૈયા અને તેમના પરિવાર સાથે પણ માથાકૂટ થઈ હતી. દીપકભાઈ ત્યાં પહોંચીને વિક્રમભાઈને સમજાવી પરત લાવતા હતા, ત્યારે આરોપી જગદીશ સરવૈયા, તેમના પુત્ર દક્ષ અને ભાઈ છનાભાઈએ પાછળથી આવી હુમલો કર્યો હતો. જેમાં દક્ષે દીપકભાઈના માથામાં અને છનાભાઈએ ડાબા હાથ પર ધારીયાનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી જગદીશએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લોહીલુહાણ હાલતમાં ફરિયાદીને મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


