હળવદ ઉમિયા નવરાત્રી મહોત્સવમાં દાંડિયારાસની રમઝટ : પ્રાચીન પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય
‘પાટીદારો સાથે, પાટીદારો માટે’ના સંકલ્પ સાથે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા; ભક્તિ, સંસ્કૃતિ અને ગરબાની રંગતથી મહોત્સવ બન્યો આકર્ષણનું કેન્દ્ર સરકારી અધિકારીઓ, રાજકીય આગેવાનો, ન્યાયક્ષેત્રના અગ્રણીઓ અને સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિએ મહોત્સવની શોભામાં કર્યો વધારો



હળવદ શહેરમાં ઉમિયા માતાજીના મંદિર તથા ઉમિયા કન્યા છાત્રાલયના વિશાળ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.પાટીદારો સાથે, પાટીદારો માટે’ના સંકલ્પ સાથે યોજાઈ રહેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધના સાથે તાલબદ્ધ ગરબા તથા આકર્ષક દાંડિયારાસની રમઝટ બોલાવી હતી.
ઉમિયા નવરાત્રી મહોત્સવ હળવદના નવરાત્રી ઉત્સવોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માતાજીની ભક્તિ, ભારતીય સંસ્કૃતિની ઝલક, પરંપરાગત ગરબી, આકર્ષક દાંડિયારાસ અને પારિવારિક વાતાવરણના અનોખા સમન્વયે મહોત્સવને આગવી ઓળખ અપાવી છે. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને ભક્તિમય માહોલે સમગ્ર ગ્રાઉન્ડને ઉત્સવના રંગે રંગી દીધું હતું.
આ મહોત્સવની વિશેષતા માત્ર ભવ્ય આયોજન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવો, સરકારી અધિકારીઓ, રાજકીય આગેવાનો, ન્યાયક્ષેત્રના પ્રતિનિધિઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિએ પણ તેને વિશેષ ગૌરવ અપાવ્યું છે. મહેમાનો અને ખેલૈયાઓએ ગરબા તથા દાંડિયારાસની રમઝટ વચ્ચે ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાનો આનંદ માણ્યો હતો.
નવરાત્રી એ માત્ર ઉત્સવ નહીં, પરંતુ મા આદ્યશક્તિની આરાધના સાથે આપણી લોકપરંપરા અને સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવાનો પવિત્ર અવસર છે. ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પરંપરાગત ગરબી અને દાંડિયારાસને વિશેષ સ્થાન આપીને પ્રાચીન સંસ્કૃતિને આધુનિક આયોજન સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
પારિવારિક વાતાવરણ અને સુવિધાઓ પર વિશેષ ભાર.
આજના સમયમાં નવરાત્રી મહોત્સવમાં લોકો પોતાના પરિવાર સાથે સલામત, સુવ્યવસ્થિત અને આનંદદાયક વાતાવરણમાં તહેવાર માણવા ઇચ્છે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પારિવારિક વાતાવરણની સાથે વ્યવસ્થિત આયોજન, નિઃશુલ્ક નાસ્તો અને પાર્કિંગ જેવી સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
સમગ્ર નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ વી. પટેલના માર્ગદર્શન હેઠળ પાટીદાર યુવા સંગઠનના યુવાનો અને વડીલો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સમાજની એકતા, સહકાર અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ સાથે યોજાઈ રહેલો આ મહોત્સવ હળવદમાં નવરાત્રીની ઉજવણીને નવી ઓળખ આપી રહ્યો છે.
ભક્તિ અને સંસ્કૃતિના સંગમ સમાન ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ, મહેમાનોની ઉપસ્થિતિ અને આયોજકોની મહેનતથી નવરાત્રીની રોનકમાં વિશેષ વધારો થયો છે.
મયુર રાવલ હળવદ



