


મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પ્રવાસન સોસાયટીના ચાલુ વિકાસ કામોની સમીક્ષા કરતાં વાંકાનેર તાલુકાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ‘લાલજી ભગતની જગ્યા’ ના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત તૈયાર કરી ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ ને મોકલી આપવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. સાથોસાથ સુપ્રસિદ્ધ તીર્થધામ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ તેમજ મોરબીના મચ્છુ ડેમ-૨ ખાતે પ્રવાસીઓ માટે આકર્ષક ‘આઈ-લેન્ડ’ વિકસાવવા બાબતે સઘન સમીક્ષા હાથ ધરી જરૂરી વહીવટી મંજૂરીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન પ્રાસંગિક સૂચનો આપતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો અદ્ભુત હેરિટેજ સાથે સાંસ્કૃતિક વિરાસત ધરાવે છે. આ જગ્યાઓને આઇડેન્ટિફાય કરી તેનું પ્રોપર કેટલોગિંગ કરવું જરૂરી છે, જેથી આ હેરિટેજ સ્થળોનું સુવ્યવસ્થિત રિસ્ટોરેશન અને રિનોવેશન કરી શકાય.