મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબ પંચમહાભૂતમાં વિલીન, રાજ પરિવારની પરંપરા મુજબ અંતિમ સંસ્કાર
સૌરાષ્ટ્રના રાજવી પરિવારો, રાજકીય-સામાજિક અગ્રણીઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા નગરમાં અંતિમ યાત્રા યોજાયા બાદ ધોળેશ્વર સ્મશાન ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર



મોરબીના પ્રજા વત્સલ રાજમાતા વિજયકુંવરબા સાહેબના ૯૭ વર્ષની વયે નિધનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું રાજમાતાના પાર્થિવ દેહને મુંબઈથી મોરબી લાવવામાં આવ્યા બાદ આજે સવારે અંતિમ દર્શન બાદ અંતિમ યાત્રા યોજાઈ હતી અને રાજ પરિવારની પરંપરા મુજબ મોરબીના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
મોરબીના રાજમાતાનું નિધન થતા આજે ન્યુ પેલેસ ખાતે સવારથી અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા અંતિમ દર્શન અને મોરબી રાજવી પરિવારને સાંત્વના પાઠવવા માટે સૌરાષ્ટ્રના રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, જામનગરના કુમાર સાહેબ અર્જુનસિંહજી જાડેજા, વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવ્સિંહજી ઝાલા અને વીરપુરના ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ મંત્રી કાન્તિલાલ અમૃતિયા, રાજકીય-સામાજિક અગ્રણીઓ અંતિમ દર્શન માટે પહોંચ્યાઃ હતા રાજમાતા વિજયકુંવરબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અંતિમ દર્શન બાદ ન્યુ પેલેસથી અંતિમ યાત્રા શરુ કરવામાં આવી હતી
રાજમાતાની અંતિમ યાત્રા સામાકાંઠે ન્યુ પેલેસથી શરુ કરીને નટરાજ ફાટકે વાઘજી બાપુના બાવલા પાસે પહોંચી હતી જ્યાં બાપુના બાવલાને પ્રદક્ષિણા કરી ફૂલહાર અર્પણ કરી મયુર પુલ, દરબારગઢ, નગર દરવાજા સહિતના શહેરના રાજમાર્ગો પરથી ફરીને વિસીપરા ધોળેશ્વર સ્મશાન ખાતે પહોંચી હતી જ્યાં રાજ પરિવારની પરંપરા મુજબ રાજમાતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ ક્રિયામાં અંદાજે ૫ મણ ચંદનના લાકડા, ૫ કિલોથી વધુ શુદ્ધ ઘી અને જવ સહિતની સામગ્રી સાથે કરવામાં આવી હતી
રાજમાતાની અંતિમ ઈચ્છા મુજબ અંતિમ સંસ્કાર મોરબીમાં કરવામાં આવ્યા
રાજમાતાની અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ રાજવી પરિવારના સભ્ય વિશાલ બાપાએ જણાવ્યું હતું કે રાજમાતાની એવી ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર મોરબીમાં કરવામાં આવે જેથી તેમની અંતિમ ઈચ્છા અનુસાર અંતિમ સંસ્કાર મોરબીમાં રાજ પરિવારની પરંપરા મુજબ કરવામાં આવ્યા હતા
મોરબીને સૌરાષ્ટ્રનું પેરીસ બનાવ્યું, પ્રજાના પડખે આઝાદી બાદ પણ અડીખમ ઉભા રહ્યા
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ રાજમાતાને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે શ્રેષ્ઠ નગર રચના, મકાનોના બેનમુન બાંધકામો જેવા કે મણી મંદિર, દરબાર ગઢ, નગર દરવાજા, ગ્રીન ચોક અને કુબેર વાવ સહિતના સ્થાપત્યોને કારણે મોરબીને સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મળી હતી તેમજ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ૧૯૭૯ ના મચ્છુ જળ હોનારત, ૨૦૦૧ ના ભૂકંપ તેમજ ૨૦૨૨ ના ઝૂલતો પુલ દુર્ઘટના સહિતની આફતો સમયે રાજવી પરિવાર પ્રજાની પડખે ઉભો રહ્યો હતો અને પ્રજા વત્સલ રાજમાતાના નિધનથી સમગ્ર મોરબીની પ્રજામાં શોકનું મોજું ફરી વળ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજમાતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી છે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રાજમાતાના સેવાભાવને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડાપ્રધાને પોસ્ટમાં જણાવ્યું છે કે રાજમાતાનું વ્યક્તિત્વ, તેમની સેવાની ભાવના અને મોરબીના લોકો સાથે તેમનો ગાઢ નાતો હમેશા યાદ રહેશે. નરેન્દ્ર મોદીએ દિવંગતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને પરિવારને આ અસહ્ય પીડા સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી












