


મોરબી અને વાંકાનેર પંથકમાં કૂવામાં પડી જવાથી, નદીના પાણીના વેણમાં રિક્ષા તણાઈ જવાથી અને બીમારીના કારણે કૂલ ૩ લોકોના અકાળે મોત નિપજ્યા છે. તમામ બનાવો અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં, મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલા માઇન સ્લોન માઇક્રો કારખાનામાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આદર્શભાઈ મહેશભાઈ વર્મા નામના યુવકનું મોત નીપજ્યું હતું. યુવક કારખાના પરિસરમાં આવેલા પાણી ભરેલા કૂવામાં કોઈ કારણોસર પડી જતાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહતો.
બીજા બનાવમાં, વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલી ભાટિયા સોસાયટીમાં રહેતી અને મૂળ ઉત્તરપ્રદેશની વતની ૨૫ વર્ષીય અંજલીબેન જીગેશકુમાર રાજભર નામની પરિણીતાનું પોતાના ઘરે જ બીમારીના કારણે મોત નીપજ્યું હતું. મૃતક પરિણીતાને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજા કરુણ બનાવમાં, વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામ પાસે નદીના પુલ પરથી પસાર થઈ રહેલા પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. રાજકોટના હડાળા ગામના પાટિયા પાસે રહેતા ૩૮ વર્ષીય સિરાજભાઈ ખમીશાભાઈ સંધી પોતાના ૪ વર્ષના પુત્ર કાસિમ સાથે રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં રિક્ષા ચલાવતાં રિક્ષા તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં પિતા સિરાજભાઈનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ૪ વર્ષના માસૂમ પુત્ર કાસિમની શોધખોળ હજુ પણ ચાલુ છે.