



આજના ડિજિટલ યુગમાં Instagram, Facebook, WhatsApp સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા ઉપયોગ સાથે યુવક-યુવતીઓ વચ્ચે ઝડપથી સંબંધો બંધાતા જોવા મળે છે. પરંતુ ક્યારેક આવા સંબંધો ભાવનાત્મક આવેશમાં પરિવાર, સમાજ અને ભવિષ્ય માટે ગંભીર પરિણામો સર્જી શકે છે. વાંકાનેરમાં સામે આવેલો એક કિસ્સો આજની યુવા પેઢી માટે ચેતવણીરૂપ અને સમાજ માટે પ્રેરણાદાયક બન્યો છે.
એક કુવારી યુવતી પરિણીત અને બે બાળકોના પિતા સાથે પ્રેમસંબંધમાં બંધાઈ હતી. આ બાબત પરિવાર સુધી પહોંચતા મામલો (pbsc વાંકાનેર ) મહિલા સહાયતા કેન્દ્ર ખાતે આવેલ ત્યારબાદ કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનીતાબેન સોલંકી દ્વારા યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સિલિંગ દ્વારા યુવતીને તેના સંબંધના લાંબા ગાળાના પરિણામો સમજાવ્યા.
કાઉન્સિલિંગ દરમિયાન યુવતીને પરિવારના મૂલ્યો, પોતાની કારકિર્દી, ભવિષ્ય અને સામાજિક જવાબદારીઓ અંગે સમજ આપતા સતત પ્રયાસોના પરિણામે યુવતીએ યોગ્ય નિર્ણય લઈ પરિવાર સાથે પુનઃ જોડાવાનું સ્વીકાર્યું. આ રીતે એક પરિવાર વિખૂટો પડતો અટક્યો અને યુવતીના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા મળી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ઘરેલુ વિવાદો, લગ્ન પહેલાં અને લગ્ન બાદના મતભેદો, લિવ-ઇન રિલેશનશિપ, પારિવારિક પ્રશ્નો અને અન્ય સામાજિક સમસ્યાઓમાં નિઃશુલ્ક કાઉન્સિલિંગ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ ઘટના તેના કાર્યની અસરકારકતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
આ સમગ્ર બનાવ આજની ડિજિટલ જનરેશન તેમજ માતા પિતા માટે લાલબત્તી સમાન સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર બનેલા સંબંધોમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે વિચારપૂર્વક આગળ વધવું જરૂરી છે. માતા-પિતા અને પરિવારજનોએ પણ બાળકો સાથે સતત સંવાદ જાળવી તેમના ભાવનાત્મક અને સામાજિક જીવન પર ધ્યાન આપવું જરૂરી છે.