હળવદ તક્ષશિલા પી.ટી.સી. કોલેજના 28 વિદ્યાર્થીઓએ TET-1 પરીક્ષા પાસ કરી રચ્યો સફળતાનો નવો રેકોર્ડ

એસ.વાય.ની પરીક્ષા પહેલાં જ સરકારી શિક્ષક બનવાનો માર્ગ મોકળો; ટોપ-5માં પણ કોલેજના વિદ્યાર્થીઓનો દબદબો

 

તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક શિક્ષક ભરતી માટેની TET-1 પરીક્ષાના પરિણામમાં હળવદની તક્ષશિલા પી.ટી.સી. કોલેજના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. કોલેજના બીજા વર્ષના કુલ 28 વિદ્યાર્થીઓએ TET-1 પરીક્ષા પાસ કરીને સરકારી પ્રાથમિક શિક્ષક તરીકેની ભરતી માટે પોતાની પાત્રતા સાબિત કરી છે.

ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતી માટે યોજાતી TET-1 પરીક્ષામાં રાજ્યભરમાં પાસ ઉમેદવારોની સંખ્યા મર્યાદિત રહી છે. ત્યારે તક્ષશિલા પી.ટી.સી. કોલેજના એકસાથે 28 વિદ્યાર્થીઓની સફળતાએ કોલેજને ગૌરવ અપાવ્યું છે. પરીક્ષામાં દ્રષ્ટિ શાંતિલાલ સંઘાણી, નરેન્દ્ર બનેસંગ ડોડિયા, અમિત ભૂપેન્દ્રભાઈ પંચાસરા, શ્રુતિ ધર્મેન્દ્રભાઈ કુંડારિયા અને પ્રગતિ ખોડાજી ઝિંઝુવાડિયાએ ટોપ-5માં સ્થાન મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે. ઉપરાંત પિનલ પારેજિયા, ઓમ આદ્રોજા, રાધિકા ખેર અને નિખિલ કુંડારિયાએ પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આ પ્રસંગે તક્ષશિલા પી.ટી.સી. કોલેજના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મહેશભાઈ પટેલ, સંચાલક રમેશભાઈ કૈલા તથા આચાર્યશ્રીએ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમનું સન્માન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓની મહેનત તેમજ કોલેજના ગુણવત્તાસભર શૈક્ષણિક માર્ગદર્શનને આપ્યો હતો. કોલેજના આ ઉત્કૃષ્ટ પરિણામથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.