ટંકારાના ડેમી ૨ ડેમમાંથી ચેકડેમો ભરવા પાણી છોડવામાં આવશે

 

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી2 સિંચાઈ યોજનાના દરવાજા આગામી તા.૧૫ ના રોજ સવારે 9 કલાકે ખોલવામાં આવનાર છે. ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ 15 MCFT પાણી છોડવાની દરખાસ્તને મંજૂરી મળતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પગલે નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

ડેમી2 સિંચાઈ યોજનાના સેક્સન ઓફિસર તરફથી મળતી માહિતી મુજબ, જળાશયનું હાલનું લેવલ 45.20 મીટર છે અને ડેમમાં ગ્રોસ જથ્થો 233.05 MCFT ઉપલબ્ધ છે. ડેમના હેઠવાસના ચેકડેમો ભરવા માટે પાણી છોડવાની દરખાસ્ત સક્ષમ કક્ષાએ સાદર કરવામાં આવી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

 

તા. ૧૫ ના રોજ સવારે 9 કલાકે ડેમી2 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવશે, જેમાંથી 1101 ક્યુસેક પ્રવાહ (ડિસ્ચાર્જ) છોડવામાં આવશે. ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી તેના હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર અને કોયલી ગામોના લોકોને નદીના પટમાં અવરજવર કરવા અને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

 

Leave A Reply

Your email address will not be published.