હળવદ ન.પા. સેનિટેશન ચેરમેનની દાદાગીરી: પાણી પુરવઠાના કર્મચારીને માર માર્યો

હળવદ નગરપાલિકાની પાણી પુરવઠા ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી પર પાણી પહોંચાડવા બાબતે હળવદ નપા સેનિટેશન ચેરમેને ફોન પર ગાળો આપી, ઓફિસે આવી સ્ટીલની સ્ટીક વડે હુમલો કરી માર માર્યો હતો. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, હળવદની રુદ્ર ટાઉનશીપ-૨ માં રહેતા અને તુષારદાન મનહરદાન ગઢવીએ હળવદ નગરપાલિકા સેનિટેશન ચેરમેન ભરતભાઈ નાનુભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી હળવદ નગરપાલિકાની પાણી પુરવઠા ઓફિસમાં નોકરી કરે છે. તેઓ ઓફિસ પર ફરજ પર હતા, ત્યારે આરોપીએ તેમના મોબાઈલ પર ફોન કરીને પાણી પહોંચાડવા બાબતે ગાળો આપી હતી. ત્યારબાદ આ શખ્સ પાણી પુરવઠાની ઓફિસે રૂબરૂ આવી ગયો હતો અને ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. વાત આટલેથી ન અટકતા, આરોપીએ પોતાના હાથમાં રહેલી સ્ટીલની સ્ટીક વડે કર્મચારી તુષારદાન પર હુમલો કરી દીધો હતો અને તેમના બંને હાથના કાંડાના ભાગે ઘા મારી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે ભોગ બનનાર કર્મચારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.