


વાંકાનેરના આંબેડકર નગર વિસ્તારમાં મૈત્રીકરાર કરીને રહેવા આવેલા એક દંપતી અને પાડોશી પરિવાર વચ્ચે જૂના મનદુઃખનો ખાર રાખીને હિંસક અથાડામણ થઈ હતી. બંને પક્ષો વચ્ચે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ સહિત અનેક લોકોને ફ્રેક્ચર અને મૂઢ ઇજાઓ પહોંચી છે. આ સશસ્ત્ર મારામારીના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને પક્ષો દ્વારા સામસામે હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદો નોંધાવાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રથમ ફરિયાદની વિગત મુજબ, વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા ભરતભાઇ મગનભાઇ બોચીયાએ રાધાબેન ભવાનભાઇ પરમાર સાથે આઠ મહિના પહેલા મૈત્રીકરાર કર્યા હતા અને તેઓ તાજેતરમાં જ અહીં રહેવા આવ્યા હતા. રાધાબેનના અગાઉના લગ્નથી થતી માસી સાસુ મંજુબેનના પરિવારને આ બાબત ગમી ન હતી. રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ભરતભાઇ અને રાધાબેન ઘરે આવી રહ્યા હતા, ત્યારે મનિષભાઇ મુળજીભાઇ બોચીયા અને હિતેષભાઇ મુળજીભાઇ બોચીયા લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા અને ‘તમે મૈત્રીકરાર કરી અહીં કેમ રહો છો?’ તેમ કહી ગાળો દીધી હતી. ત્યારબાદ ગીતાબેન મનિષભાઇ, ક્રિશ્નાબેન મનિષભાઇ અને પુરીબેન મુળજીભાઇ પણ લોખંડના પાઇપ અને ધોકા સાથે ત્યાં ધસી આવ્યા હતા અને રાધાબેનને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામી પક્ષે ગીતાબેન મનિષભાઇ બોચીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેમના દિયર હિતેષભાઇ સાથે આરોપી ભરતભાઇને ત્રણ દિવસ પહેલા બોલાચાલી થઈ હતી, જેનો ખાર રાખીને ગત રાત્રે સાડા અગિયાર વાગ્યે જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે ડેલી પાસે અવાજ આવ્યો હતો. ગીતાબેન બહાર શેરીમાં નીકળતા જ પાડોશમાં રહેતો ભરતભાઇ મગનભાઇ બોચીયા હાથમાં લોખંડનો પાઇપ લઈને ઊભો હતો અને તેણે ગીતાબેનને માથાના ભાગે પાઇપનો હિચકારો ઘા ઝીંકી દઈ લોહીલુહાણ કરી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભરતભાઇની પત્ની રાધાબેન, ભાઈ નીલેષ, મીનાબેન નીલેશભાઇ બોસીયા અને જબુબેન મગનભાઇ બોસીયા પણ શેરીમાં ધસી આવ્યા હતા અને ગીતાબેનને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




