માળિયા: મોટાદહીંસરા નજીક બાઇક સ્લીપ થતાં આધેડ ચાલકનું સારવાર દરમિયાન મોત



માળિયા મિયાણાનાં મોટાદહીંસરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે બાઇક ચલાવતી વખતે અકસ્માત નડતાં આધેડ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મોટાદહીંસરા ગામથી બુઢિયાળી જતા રસ્તે મેલડી માતાજીના મંદિર નજીક રોડ પર આ ઘટના બની હતી. મૃતક ભરતસીંહ દાદુભા જાડેજા (ઉંમર વર્ષ ૫૧) ડ્રાઇવિંગ લાયસન્સ વગર પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (જીજે-૩૬-ડી-૩૩૯૯) લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા વળાંક પર સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે બ્રેઇન હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.




