હળવદના ચરાડવામાં વાડીની ઓરડીમાંથી ૧ લાખનો કોપર કેબલ ચોરાયો

હળવદના ચરાડવા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવતા એક વાડીની ઓરડીના તાળા તોડી અંદાજે રૂ. ૧,૦૦,૦૦૦ ની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી કરી હતી. આ મામલે વાડી માલિકે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગત મુજબ, મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઇ અણદાભાઇ સવસાણીની હળવદના કડીયાણા-ચરાડવા ગામની ‘બાર બોર’ તરીકે ઓળખાતી સીમમાં વાડી આવેલી છે. મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ વાડીને નિશાન બનાવી હતી. તસ્કરોએ વાડીમાં આવેલી ઓરડીના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રાખેલો ૬ એમ.એમ.નો આશરે ૧૬૦૦ ફૂટ લાંબો સબમર્સિબલ મોટરનો કોપર કેબલ વાયર ચોરી કરી ગયા હતા. અંદાજે એક લાખની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની જાણ થતા લાલજીભાઇએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.