

હળવદ શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરનું ગટરનું ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો વચ્ચે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. કલેક્ટરના આદેશ બાદ કેનાલમાં જતું ગંદુ પાણી બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ હવે એ જ ગંદુ પાણી નજીકના તળાવમાં ડાયવર્ટ કરાતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.


“કેનાલ બચાવી, હવે તળાવ બગાડવાની તૈયારી?”
સ્થાનિકોના આક્ષેપ મુજબ કેનાલમાં ગટરનું પાણી છોડાતા વિવાદ ઊભો થતાં તંત્રએ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર રસ્તો બદલી દીધો છે. કેનાલમાં જતું ગંદુ પાણી હવે સીધું તળાવ તરફ વાળવામાં આવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે નવા જોખમો ઊભા થયા છે.
હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર નો જવાબ ચર્ચામાં
ઘટનાસ્થળે તપાસ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસરને ગંદુ પાણી ક્યાં છોડવામાં આવે છે તે અંગે પૂછવામાં આવતા તેમણે “આ પાણી ક્યાં જાય છે તેની મને ખબર નથી” એવો જવાબ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જવાબદાર અધિકારીના આવા નિવેદનને લઈને લોકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે.
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ નિરીક્ષણ દરમિયાન કેનાલની સફાઈ કરી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ સમગ્ર મામલે જવાબદાર વિભાગો પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.
રોગચાળાની દહેશત વચ્ચે શહેરીજનોમાં ચિંતા તળાવમાં ગંદુ પાણી ભળવાથી પાણી પ્રદૂષિત થવાની અને આવનારા સમયમાં દુર્ગંધ તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો તળાવનું અસ્તિત્વ અને આસપાસનું પર્યાવરણ ગંભીર અસર હેઠળ આવી શકે છે.શહેરીજનોના સવાલો ચર્ચાય રહ્યા છે.કેનાલમાં ગટરનું પાણી છોડવાની મંજૂરી કોણે આપી?સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તળાવમાં પાણી ડાયવર્ટ કેમ કરાયું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં?જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે?લોકોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો.
નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરીજનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.હળવદ પાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન! કેનાલ બચાવવા તળાવને બનાવ્યું ગટરનું ઠેકાણું?તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
મયુર રાવલ હળવદ