

હળવદ શહેરમાં અગાઉ નોંધાયેલા પોક્સો એક્ટના કેસમાં કોર્ટ બહાર સમાધાન કરવા દબાણ કરી એક પરિવાર પર હુમલો કરાયો હોવાની અને ઘરના સામાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ જાહેરમાં યુવક સાથે ઝઘડો કરી ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના સમયે ઘાતક હથિયાર સાથે ઘરે જઈને તોડફોડ મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવકની માતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.


બનાવની વિગત મુજબ, હળવદના ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર પાસે રહેતા ઉમાબેન સુરેશભાઇ વિરગામીયાનો દીકરો રોહીત સાંજે છકડો રીક્ષા લઈને ઉભો હતો, ત્યારે ભવાની નગર ઢોરો ખાતે રહેતા અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઇ દેવીપૂજકે ત્યાં આવીને મોરબી કોર્ટમાં ચાલતા પોક્સો કેસમાં સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું. રોહીતે ના પાડતા આરોપી અજયે ઉશ્કેરાઈને રીક્ષા ઉપર ચડી તેનું ગળું પકડી માર માર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રિના સમયે જ્યારે પરિવાર બહાર ગયો હતો, ત્યારે આરોપી અરજણ જીવરાજભાઈ દેવીપુજક, તેનો ભાઈ ગગજી અને જીતેશ ઉર્ફે ભુરો હાથમાં ધારીયું લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ફ્રીજ, ગેસ, કુલર, ટીવી અને વાહનની ભારે તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હળવદ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.