મોરબીના પીપળીમાં જુગાર રમતી એક મહિલા સહિત બે ઝડપાયા: ચાર મહિલાઓ ભાગી છૂટી

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીન-પત્તીનો જુગાર રમતા શખ્સો પર મોરબી તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક પુરુષ અને એક મહિલાને રોકડા રૂ. ૬૩,૧૦૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેડ જોઈને નાસી છૂટેલી અન્ય ચાર મહિલાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ, મોડી રાત્રે આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીપળી ગામની સીમમાં આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ પાનસુરિયાના મકાનની સામે, જાહેર સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં જાહેરમાં પાથરણું પાથરી તીન-પત્તીનો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રાજેશ સુખરામભાઇ સોનારથી અને રીના કેયુરભાઇ ઉકાણી નામના બે ઈસમોને રોકડા રૂ. ૬૩,૧૦૦ તથા ગંજીપાના સાથે ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમિયાન શારદા નરેન્દ્રભાઇ પાનસુરીયા, કાજલ બુધાભાઇ નોવરાટીયા, કંચન ઉર્ફે મંજુબેન નરભેરામભાઇ અઘારા અને અસ્મીતા સવજીભાઇ ડાભી નામની ચાર મહિલાઓ નાસી છૂટવામાં સફળ રહી હતી. મોરબી તાલુકા પોલીસે પકડાયેલા અને ફરાર થયેલા તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.