મોરબીમાં રવાપર રેસિડેન્સી પાસે ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની T-20 મેચ પર સટ્ટાખોરી કરતા બે શખ્સો ઝડપાયા

મોરબી રવાપર ધુનડા રોડ પર આવેલી રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી T-20 ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોન મારફતે હારજીતનો જુગાર રમી-રમાડી રહેલા શખ્સો પર પોલીસે દરોડો પાડી બે ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન બાતમી મળી હતી કે રવાપર રેસિડેન્સીના ગેઇટ પાસે કેટલાક શખ્સો મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ત્યાં હાજર દીપક રાજુભાઈ બુદ્ધદેવ અને હુશેન અલ્લારખાભાઈ શેખ નામના શખ્સો ઝડપાઈ આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી દીપકે આરોપી હુશેનભાઈ સાથે મળીને ફોન ઉપર તાજેતરમાં ચાલી રહેલી ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની T-20 ક્રિકેટ મેચમાં રનફેર તથા હારજીતનો જુગાર વસીમ કૈડા સાથે મળીને રમતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૬,૬૦૦ અને ૨૦,૦૦૦ ની કિંમતના ૨ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૬,૬၀၀ નો મુદામાલ જપ્ત કરી હાજર ન મળી આવેલ વસીમભાઈ કૈડાને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.