મોરબીના દરબારગઢ વિસ્તારમાં ૧.૩૦ લાખના ચેઇનની ચીલઝડપ કરી બે બાઇકચાલકો ફરાર

મોરબીના દરબારગઢ વિસ્તારમાં જૈન દેરાસર નજીક દંપતી એકટીવા પર જઈ રહ્યું હતું ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી રૂ. ૧.૩૦ લાખની કિંમતનો સોનાનો ચેઇન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવની વિગત મુજબ, દરબારગઢ રોડ, મોટી માધાણી શેરીમાં રહેતા ફરિયાદી પૂજાબેન મહેતા અને તેમના પતિ વિરલભાઇ પોતાના એકટીવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન મોરબી દરબારગઢ જૈન દેરાસર નજીક આશરે ૨૫ થી ૩૦ વર્ષની વયના બે અજાણ્યા બાઇકચાલકોએ તેમની નજીક આવી પૂજાબેનના ગળામાં પહેરેલ આશરે એક તોલાનો સોનાનો ચેઇન ચીલઝડપ કરી ઝૂંટવી લીધો હતો અને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.