ભારતના પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના સેવાકાર્યની સાથે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા મોરબી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી થશે ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

રક્તદાન, સામૂહિક શ્રમદાન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં વ્યાપક જનભાગીદારી થકી લોક કલ્યાણનો લક્ષ્યાંક

 

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત ૨૫ વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત ૨૦૪૭’ની ભવ્ય સંકલ્પના અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અને વિવિધ જનકલ્યાણકારી સેવા પ્રવૃત્તિઓનું મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે (IAS) ના સુચારુ માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ૨૧ દિવસીય અભિયાન અંતર્ગત આરોગ્ય અને જનકલ્યાણ, સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી, જનજાગૃતિ, સમાજ સેવા, શિક્ષણ અને યુવા વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૫થી વધુ જનકલ્યાણકારી કાર્યક્રમો હાથ ધરી આ અભિયાનને એક સઘન જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવશે.

 

અભિયાન દરમિયાન જિલ્લા કક્ષાએ મેગા રક્તદાન શિબિરો, નિષ્ણાત તબીબી તપાસ, ગંભીર રોગોનું નિદાન, અંગદાન પ્રતિજ્ઞા તેમજ મહિલા આરોગ્ય અને એનેમિયા જાગૃતિ જેવા વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું વિતરણ કરાશે. પર્યાવરણ જાળવણી અન્વયે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સામૂહિક શ્રમદાન, પ્લાસ્ટિક મુક્ત જાગૃતિ, શાળાઓમાં કચરાના વર્ગીકરણની તાલીમ, ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ ઝુંબેશ ચલાવાશે. આશીર્વાદનો દિવડો હેઠળ લાભાર્થીઓના ઘરે ઘરે આશીર્વાદ દીપ પ્રજ્વલિત કરવામાં આવશે.

 

શિક્ષણ અને યુવા શક્તિના વિકાસ માટે શિક્ષણ વંચિત બાળકોને શાળા સુધી પહોંચાડવાની વિશેષ પહેલ, કારકિર્દી માર્ગદર્શન સત્રો, શાળાઓમાં ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધાઓ, નમો સેવા ગાથા નાટકો, મેગા યોગ-ધ્યાન શિબિરો, વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા અને પરંપરાગત રમતો સાથે ‘ફિટ ઈન્ડિયા’ સત્રો યોજાશે. આ ઉપરાંત, માર્ગ સલામતી જાગૃતિ, સાયબર રાત્રિ ગ્રામસભાઓ, ‘નશામુક્ત ભારત’ ઝુંબેશ, દિવ્યાંગ સાધન-સહાય, વૃદ્ધાશ્રમ મુલાકાત, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ‘વોકલ ફોર લોકલ’ પ્રદર્શન તથા શહીદોના સન્માનમાં ‘એક શામ શહીદો કે નામ’ જેવા દેશભક્તિના કાર્યક્રમોનું સઘન આયોજન કરાશે.

 

આ તમામ મહાઅભિયાનોમાં સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, CSR ભાગીદારો, વેપારી મંડળો અને સ્થાનિક જનપ્રતિનિધિઓના સહયોગથી વ્યાપક જનભાગીદારી કેળવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો વિશિષ્ટ પ્રયાસ કરવામાં આવશે. જેથી મોરબી જિલ્લાના તમામ નાગરિકો, યુવાનોને આ સામાજિક મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.