હળવદના શિક્ષણ જગતનું ગૌરવ : ઉદ્દગમ વિદ્યાલયના સંસ્કૃત શિક્ષક હિતેશ ખેરને પી.એચ.ડી.ની પદવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત વિષયમાં ડોક્ટરેટની ઉપાધિ એનાયત થતાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ

 

શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હળવદ પંથકનું ગૌરવ વધારતી વધુ એક સિદ્ધિ સામે આવી છે. હળવદની નામાંકિત શૈક્ષણિક સંસ્થા ઉદ્દગમ શૈક્ષણિક સંકુલ-હળવદમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. હિતેશ ખેરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી. (Ph.D.)ની પદવી એનાયત કરવામાં આવી છે.

ડૉ. હિતેશ ખેરે સંસ્કૃત સાહિત્યના મહત્વપૂર્ણ ગ્રંથ પર સંશોધન કાર્ય હાથ ધર્યું હતું. તેમના સંશોધનનો વિષય “શુકનીતિમાં વિધિનિષેધનું ચિંતન” રહ્યો હતો. વર્ષોની મહેનત, અભ્યાસ અને સંશોધન બાદ તેમનું સંશોધનપ્રબંધ યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને તેમને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.

પ્રાચીન ભારતીય શાસનવ્યવસ્થા પર સંશોધન

ડૉ. હિતેશ ખેરે પોતાના સંશોધન દ્વારા પ્રાચીન ભારતીય શાસનવ્યવસ્થા, નૈતિક મૂલ્યો તથા સામાજિક કાયદાઓના આધુનિક સંદર્ભમાં પ્રાસંગિકતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. સંસ્કૃત વિષયમાં કરાયેલું તેમનું સંશોધન શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.

ઉદ્દગમ પરિવાર સહિત શુભેચ્છાઓની વર્ષા,ઉદ્દગમ વિદ્યાલયના એમ.ડી. ગિરીશભાઈ લુકમ, આચાર્ય પ્રવીણભાઈ કણઝરિયા, સી.એમ. કણઝરિયા, નંદલાલભાઈ જાબુકીયા, કિરણભાઈ પટેલ સહિતના સાથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ડૉ. હિતેશ ખેરને આ સિદ્ધિ બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હિતેશ ખેરની આ શૈક્ષણિક સિદ્ધિથી ઉદ્દગમ શૈક્ષણિક સંકુલ સહિત સમગ્ર હળવદ પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.