હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં મહિલા દિવસ નિમિતે સ્વરક્ષણ અને યોગના પાઠ ભણાવ્યા


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે હળવદ સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા અને કોલેજની ૧૦૭થી વધુ વિદ્યાર્થીનીઓ તેમજ મહિલા સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન નારી શક્તિના શારીરિક અને માનસિક ઉત્થાન માટે યોગાસન ડેમો, સેલ્ફ ડિફેન્સ ફિટનેસ એક્ટિવિટી અને જુડો રમતની વિવિધ ટેકનિકોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજના પડકારજનક સમયમાં મહિલાઓ આત્મનિર્ભર અને સુરક્ષિત બને તેવો મુખ્ય સૂર આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
આ તાલીમ શિબિરમાં જુડો કોચ પુજાબેન ઓરા અને પ્રકાશ જોગરાણાએ વિદ્યાર્થીનીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં સ્વરક્ષણ (સેલ્ફ ડિફેન્સ) કેવી રીતે કરવું તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત, મહિલા સશક્તિકરણ વિષય પર એક પ્રેરણાદાયી ટોક શો પણ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી અને સુનિતાબેન રાવલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના એમ.ડી. ડો. મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, અને અંતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.