મોરબી અને વાંકાનેરમાંથી બે દરોડામાં પોલીસે ૩૧,૦૦૦નો દારૂ જપ્ત કર્યો

મોરબી જિલ્લામાં પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ અલગ-અલગ બે સ્થળોએ દરોડા પાડીને કુલ રૂ ૩૧,૦૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોરબી શહેર અને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પાડવામાં આવેલી આ રેઇડ દરમિયાન બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ, મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબીના કાલિકાપ્લોટ શેરી નંબર ૨ માં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઇ કુરેશીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર પાસ કે પરમિટ વગર વેચાણ અર્થે રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મકાનમાંથી ‘૮ PM સ્પેશ્યલ રેર વિદેશી દારૂ’ ના ૧૮૦ એમ.એલ.ના ૭૨ નંગ ચપલા કુલ કિંમત ૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, પોલીસની રેઇડ દરમિયાન આરોપી ઇમ્તીયાઝ ઘર પર હાજર નહીં મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસે મકતાનપર ગામે રેઇડ પાડી હતી. મકતાનપરથી વરડુસર જવાના કાચા રસ્તે સીમાડા પાસે આવેલા આરોપી વિજય મશરૂભાઇ ઉર્ફે મહેશભાઇ ગમારાના માલઢોર બાંધવાના વાડામાં પોલીસે તપાસ કરી હતી. આ વાડામાંથી અલગ-અલગ કંપનીના વિદેશી દારૂના સીલબંધ ૧૧૦ નંગ ચપલા કુલ કિંમત ૨૨,૦૦૦ મળી આવ્યા હતા. આ દરોડા દરમિયાન આરોપી વિજય ગમારા પણ સ્થળ પર હાજર ન મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.