


જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાંઓ, બાલવાટિકાના બાળકો તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમત-ગમત અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. બાલવાટિકાના બાળકોને તેમની પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ધોરણ-૧ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ પુસ્તક આપી શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિદ્યાર્થીઓને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને નિયમિત શાળાએ આવવા, અભ્યાસમાં રસ લેવા અને જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. શાળાના આચાર્યશ્રી અમરશીભાઈ વાઘેલા સાહેબે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મયુર રાવલ હળવદ


