

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વીસીપરા મેઇન રોડ પર દરોડો પાડી લક્ઝરી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક બાળ કિશોરને ઝડપી પાડ્યો છે. પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ. ૫.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.


બનાવની વિગત મુજબ, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક વર્ના કાર નંબર GJ-03-ME-9959 માં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વીસીપરા મેઇન રોડ પર વોચ ગોઠવી કારને અટકાવતા તેમાંથી પ્લાસ્ટિકની ૧૫ કોથળીઓમાં ભરેલો ૭૫ લિટર દેશી દારૂ કિંમત રૂ ૧૫ હજાર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્કાન અબ્બસભાઇ કટીયા નામની મહિલાના કહેવાથી આ દારૂ અજાણ્યા શખ્સ પાસેથી મેળવીને નવા જાંબુડીયાના નરેશ ઇશ્વરભાઇ ખરા નામના શખ્સને વેચવા માટે લઈ જવામાં આવતો હતો. પોલીસે દારૂ અને ૫ લાખની કિંમતની કાર કબજે કરી છે, જ્યારે હાજર નહીં મળી આવેલા નરેશ ખરા, મુસ્કાન કટીયા અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.