મોરબી: જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ બેને મારી ૨૪ હજારની લૂંટ ચલાવી

મોરબીના પાવડીયારી કેનાલ પાસે આવેલા અપના માર્કેટની એક ચા-પાણીની દુકાન નજીક જૂની અદાવતનો ખાર રાખી રૂ. ૨૪,૦૦૦ની લૂંટ અને મારપીટનો બનાવ બન્યો છે. માળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અગાઉની એક ફરિયાદનો ખાર રાખીને ચાર શખ્સોએ આ લૂંટ અને હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ ઘટનાની વિગત મુજબ, ફરિયાદી ફરીદ યાસીનભાઈ મેરે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના શેઠ ઇકબાલભાઇના ભાઈ તૈયબભાઇએ થોડા સમય પહેલા આરોપી ઇકા સામે માળિયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે મનમાં રોષ રાખીને ઇકો ખીરઇ, શીકલો, મુખી અને કારો નામના ચારેય આરોપીઓ નંબર વગરની કાળા રંગની સ્કોર્પિયો કારમાં ધસી આવ્યા હતા. તેઓએ ફરિયાદી તથા તેના શેઠ ઇકબાલભાઈને ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાંથી મરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ. ૨૪,૦૦૦ ની રોકડ લૂંટી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.