


ટંકારા પોલીસ મથક વિસ્તારમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે ફરિયાદી સાથે બોલાચાલી કરી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઉશ્કેરાઈને ફરિયાદીના ઘર બહાર પાર્ક કરેલી કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રજાકભાઇ ઉર્ફે કલ્લુ હસનભાઇ મકવાણાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં નાશીર બીલાલભાઈ સોહર્વદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી ટંકારા ખીજડીયા ચોકડી પાસે તાજ પાન નજીક ઊભા હતા, ત્યારે આરોપી પોતાની સીએનજી રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને એક વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ફરિયાદીને ગાળો આપી રીક્ષામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી ઘરે જતા આરોપી ફરિયાદીના ઘરે જઈને પણ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલી ફરિયાદીના મોટાભાઈ યાસીનભાઇની વર્ના કાર પર પથ્થરના ઘા મારી આગળ-પાછળના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
