

હળવદ શહેરમાં નગરપાલિકાના બેદરકારી વહીવટને લઈને શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગ (મેન રોડ, રેલ્વે સ્ટેશન)ખુણા પર છેલ્લા આઠ દિવસથી ખાડો ખોદીને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હોવા છતાં તેને પૂરવાની કે માર્ગનું સમારકામ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. તંત્રની આ બેદરકારીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
*પાકો RCC રોડ બનાવ્યા બાદ ફરી તોડવાની નોબત કેમ?*
શહેરમાં પાકો RCC રોડ બનાવ્યા બાદ ફરીથી તેને તોડીને ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં છેલ્લા આઠેક દીવસ થી માર્ગને પૂર્વવત કરવાની તસ્દી લેવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ રોડ બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવે છે અને બીજી તરફ વારંવાર રોડ તોડીને ખાડા ખોદવામાં આવે છે. આ પ્રકારની કામગીરીમાં આયોજન અને સંકલનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાની શહેરીજનોમાં ચર્ચા છે.
મેન રોડ પર ખાડો, વાહનચાલકોના જીવ જોખમમાં,મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ખુલ્લો પડેલો ખાડો વાહનચાલકો માટે જોખમરૂપ બન્યો છે. ખાસ દીવાળી ના સમયે હળવદ નાં મેઈન રોડ ગણાતા રાત્રિના સમયે અથવા વાહનોની અવરજવર દરમિયાન કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રાફિકની સમસ્યા પણ વકરતી હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે.પાલિકા તંત્ર ક્યારે જાગશે? તેવો સવાલ લોકોમાં ચર્ચાય રહ્યોછે.
શહેરના મુખ્ય માર્ગ પર આઠ દિવસથી ખાડો ખુલ્લો પડ્યો હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કેમ લાવવામાં આવતું નથી? શું કોઈ અકસ્માત સર્જાય ત્યારબાદ જ તંત્ર હરકતમાં આવશે? આવા સવાલો હવે શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.
શહેરીજનોની માગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે સ્થળ પર કામગીરી હાથ ધરી ખાડાનું યોગ્ય પુરાણ કરી માર્ગને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવે. અન્યથા કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે?
હવે તંત્રએ ઘોર નિંદ્રામાંથી જાગીને તાત્કાલિક કામગીરી કરવી જરૂરી છે. જનતાને મુશ્કેલીમાં મૂકતી આવી બેદરકારી સામે જવાબદાર ઓએ ગંભીરતા દાખવી વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ તેવી શહેરીજનો માં માંગણી ઉઠવા પામી છે.
મયુર રાવલ હળવદ