રાજકોટમાં ‘પગરણ’ સાહિત્યિક ગ્રુપ દ્વારા ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
સાહિત્ય, સંગીત અને સર્જનાત્મકતાના સંગમ સમા કાર્યક્રમમાં ગીત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયું





રાજકોટ: રાજકોટના ‘પગરણ’ સાહિત્યિક ગ્રુપ દ્વારા તા. 21 નવેમ્બર, 2026ના રોજ ‘ત્રિવેણી સંગમ’ નામે સુંદર સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો તરીકે વારીજભાઈ લુહાર, રાકેશભાઈ હાંસલિયા, દિનેશભાઈ ગજ્જર અને પારુલબેન ખખ્ખરે ઉપસ્થિતિ આપી હતી.
કાર્યક્રમની શરૂઆત ચિ. અપેક્ષા ભટ્ટ દ્વારા કવિ શ્રી વિનોદ જોશીની કૃતિ ‘વિજળીયું વેડી લેખણ કીધી સરસ્વતી માતા’ના સુંદર ગાનથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પગરણ ગ્રુપ દ્વારા આયોજિત ગીત સ્પર્ધાના વિજેતા સર્જકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં કુલ 111 ગીતોની કૃતિઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 51 કૃતિઓ શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. નિર્ણાયકો સુશ્રી પારુલબેન ખખ્ખર અને શ્રી હરીશભાઈ શાહ દ્વારા કૃતિઓનું મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય, તૃતીય તથા ત્રણ પ્રોત્સાહન ઇનામના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર, શિલ્ડ, પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 19 નોંધપાત્ર કૃતિઓના સર્જકોને પણ સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે શ્રી હરીશભાઈ શાહે ગીતકાવ્યના વિવિધ પાસાંઓ અંગે વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. સ્પર્ધામાં રજૂ થયેલી કૃતિઓની વિશેષતાઓ અને તેમાં રહેલી ક્ષતિઓ અંગે માર્ગદર્શક ચર્ચા કરી સર્જકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પગરણ ગ્રુપ દ્વારા બંને નિર્ણાયકોનું પણ ફ્રેમ અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025-26 દરમિયાન વિવિધ પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર પગરણ ગ્રુપના સભ્યોનું પણ ફ્રેમ, સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન જન્મદિવસ ધરાવતા સભ્યોને ડાયરી અને પેન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટના હોદ્દેદારો શ્રી સુનિલ કઠવાડિયા, શ્રી કમલેશ વ્યાસ અને શ્રીમતી મીના વ્યાસ દ્વારા પગરણ ગ્રુપના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કાર્યક્રમમાં કાવ્યપઠનનો સુંદર દોર શરૂ થયો હતો, જેમાં સ્પર્ધાના વિજેતાઓ સહિત ઉપસ્થિત કવિઓએ પોતાની એક-એક સ્વરચિત કૃતિ રજૂ કરી સાહિત્યરસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન શિલ્પાબહેન કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે સૌએ અલ્પાહાર સાથે આનંદભેર વિદાય લીધી હતી.
‘પગરણ’ ગ્રુપના સ્થાપક અને સંચાલક નમિતાબેન વોરા નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યાં નહોતાં. તેમ છતાં ગ્રુપના તમામ સભ્યોના સહિયારા પ્રયાસો અને ઉત્સાહથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સાહિત્ય, સંગીત અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તથા સર્જકોની પ્રતિભા અને સિદ્ધિઓને બિરદાવવાના ઉદ્દેશથી યોજાયેલો આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમ સાહિત્યિક ક્ષેત્રે એક સરાહનીય પહેલ બની રહ્યો હતો.
પગરણ ગ્રુપ વતી કાર્યક્રમમાં રાજકોટ તેમજ બહારગામથી પધારેલા તમામ મહેમાનો, સાહિત્યકારો અને કવિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિશ્રમ કરનાર ગ્રુપના તમામ સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.





