મોરબી સિવિલ હોસ્પિટલમાં ‘નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા સ્વ. નાનજીભાઈ કાનજીભાઈ રાંકજાની ૨૦મી પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ

 

માનવસેવા એ જ પ્રભુસેવાના ઉમદા સંકલ્પ સાથે મોરબીમાં સામાજિક કાર્યો કરતી જાણીતી સંસ્થા નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સ્વ. નાનજીભાઈ કાનજીભાઈ રાંકજાની ૨૦મી પુણ્યતિથિ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ માટે વિશેષ ફળ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વ. નાનજીભાઈ કાનજીભાઈ રાંકજાની સ્મૃતિમાં તેમના સુપુત્ર શિવલાલભાઈ નાનજીભાઈ રાંકજાના સહયોગથી આ સેવાકીય કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડ , મહિલા વોર્ડ, એક્સિડન્ટ વોર્ડ, પ્રસુતિ વિભાગ, બાલ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં સારવાર લઈ રહેલા ૨૦૦થી વધુ દર્દીઓને તાજા ફળોનું વિતરણ કરી તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ ઉમદા સેવાકાર્યમાં નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક આરતી રાંકજા અને રોહન રાંકજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સેવાભાવિ અગ્રણીઓ નિશિથ, ધર્મિષ્ઠા રાંકજા, શ્રુતિ રાંકજા, ડૉ.ધ્રુવી રાંકજા,ભૂમિ દેત્રોજા, ઉર્વી ઉઘરેજા, અદિતિ વિરમગામા, બંસી વીડજા  તેમજ ડૉ. સાવન અઘારા અને સાવન કાનાણીએ ઉત્સાહપૂર્વક જોડાઈને દર્દીઓને ફળ અર્પણ કરી પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું.

દર્દીઓના મુખ પર સ્મિત લાવવાના અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવાના આ પવિત્ર કાર્યની હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના સ્વજનોએ ભારોભાર પ્રશંસા કરી હતી. સ્વજનની પુણ્યતિથિને કોઈ આડંબર વિના સેવાકીય કાર્ય દ્વારા ઉજવીને રાંકજા પરિવારે સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકસેવાના કાર્યો નિરંતર ચાલુ રહેશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.