


હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ચોરીની બાબતમાં થયેલી બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ એક પરિવાર પર લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી વિગત અનુસાર, નવા દેવળીયા ગામના રહેવાસી અને સિરામિક ફેક્ટરીમાં મજૂરી કરતા ૨૩ વર્ષીય મેહુલભાઈ દેવશીભાઈ વડેચાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેમના ભાઈ રાહુલ સાથે આરોપીઓ ફિરોઝ ઈસાભાઈ મિયાણા અને વિરલ રતીલાલ મિસ્ત્રીએ મોબાઈલ ચોરવા બાબતે ઝઘડો કર્યો હતો. ગત ૧૩ જુલાઈની રાત્રે ફેરોઝ મિયાણા, વિરલ મિસ્ત્રી, યુવરાજસિંહ ચકુભા દરબાર અને એક અજાણ્યો શખ્સ હથિયારો સાથે ફરિયાદીના વાડી વિસ્તારમાં આવેલા ઘર પાસે ધસી આવ્યા હતા. આરોપીઓએ ગાળો ભાંડીને ઝઘડો શરૂ કર્યો હતો, જેમાં ફીરોઝ મિયાણાએ લાકડાના ધોકા વડે ફરિયાદી મેહુલભાઈના માથામાં ઈજા પહોંચાડી હતી, જ્યારે યુવરાજસિંહે છરી વડે ફરિયાદીના ભાઈ વિપુલભાઈના પડખાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. આ સિવાય તમામ આરોપીઓએ લોખંડના પાઈપ અને ધોકા વડે આડેધડ માર મારી કમલેશભાઈને મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસ દ્વારા આ ઘટના અંગે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.