હળવદમાં ફોટો પાડવા બાબતે ખેડૂત પર હુમલો, કેસ પાછો ન ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી

            હળવદના રાયસંગપુર રોડ પર આવેલા ખેતરમાં ફોટો પાડવા જેવી સામાન્ય બાબતે ડખ્ખો થયા બાદ, જૂના કોર્ટ કેસના મનદુખમાં એક પ્રૌઢ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે હળવદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

            બનાવની વિગત મુજબ, હળવદના કૃષ્ણનગરમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ. ૫૦) જ્યારે રાયસંગપુર રોડ પર આવેલા તેમના ખેતરે ગયા હતા, ત્યારે આરોપી મેહુલ ઈશ્વરભાઈ દલવાડી પોતાના ભાગમાં જેસીબીથી કામ કરાવતા હતા. ફરિયાદીએ જેસીબીનો ફોટો પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ આરોપી મેહુલ, જયદીપ રતીલાલ સોનાગ્રા અને મેહુલભાઈના પત્નીએ ભેગા મળી અશ્વિનભાઈને ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ સમયે આરોપી સવજીભાઈ છગનભાઈએ પણ આવીને ગાળો આપી હતી. હુમલાખોરોએ અશ્વિનભાઈને કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું હતું અને જો કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.