ટંકારાના સાવડી ગામમાં પંચાયતના જર્જરિત ક્વાટર્સ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

સ્થાનિક વહીવટી તંત્રની આળસ અને બેદરકારીનું વરવું ચિત્ર વહેલી સવારે સાવડી ગામમાં જોવા મળ્યું હતું. ગામમાં આવેલા પંચાયતના જર્જરિત ક્વાટર્સ વહેલી સવારે ૪ વાગ્યે અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયા હતા. વહેલી સવારનો સમય હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ દુર્ઘટનાએ તંત્રની પોકળ કામગીરીને છતી કરી દીધી છે.

ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના રહીશો અચાનક જાગી ગયા હતા અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં પંચાયતના બે ક્વાટર્સ સંપૂર્ણપણે પડી ગયા છે, જેના કારણે બાજુમાં આવેલા ખાનગી મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. હજુ પણ અન્ય ૪ ક્વાટર્સ ગમે ત્યારે પડી જાય તેવી અત્યંત બિસ્માર હાલતમાં ઊભા છે. જો આ બાકીના ક્વાટર્સ પણ ધરાશાયી થશે, તો આસપાસ રહેતા સ્થાનિક રહીશોને વ્યાપક માલ-મિલકતનું નુકસાન થાય તેમ છે અને લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે એક સામાન્ય વરસાદમાં જ જો દીવાલ પડી જતી હોય, તો આ ઈમારત કેટલી જર્જરિત હશે તે સ્થાનિકોને દેખાતું હતું, માત્ર સરકારી અધિકારીઓને જ દેખાતું ન હતું.

આ જર્જરિત ક્વાટર્સને તોડી પાડવા માટે છેલ્લા દોઢ વર્ષથી ગામના સરપંચ અને તલાટીને મૌખિક તેમજ લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આમ છતાં, અધિકારીઓ માત્ર જવાબદારીમાંથી છટકતા રહ્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તલાટી પાસે જઈએ તો કહે કે ‘અમે તાલુકામાં કાગળો મોકલી દીધા છે’, અને તાલુકાના એન્જિનિયર પાસે જઈએ તો કહે કે ‘અમે જિલ્લામાં ફાઈલ પહોંચાડી દીધી છે’. આવા બહાનાબાજ અધિકારીઓની આળસના કારણે જ આજે આ ઘટના ઘટી છે. ભલે અત્યારે રાતનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી, પણ જો આ ઘટના દિવસના સમયે બની હોત અને અજુગતું બન્યું હોત તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈનો જીવ ગયા પછી જ જાગશે? હાલ તો સ્થાનિકોમાં આવા બેજવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ટંકારા – ભાવિન સેજપાલ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.