સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબીના બિલિયા અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

 

મોરબી જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા National Quality Assurance Standards (NQAS) હેઠળ મોરબી તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-બિલિયા અને રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-અણીયારી એ ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.

 

ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા:

 

ભારતમાં સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે NQAS એ ગુણવત્તાનું સર્વોચ્ચ માપદંડ માનવામાં આવે છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા અત્યંત કડક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડે છે. રાષ્ટ્રીય કક્ષાના એસેસરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં સેવા પ્રદાન, દર્દીના અધિકારો, ક્લિનિકલ કેર, સંસ્થાની સ્વચ્છતા અને સ્ટાફની કાર્યક્ષમતા જેવા વિવિધ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં બિલિયા આયુષ્માન આરોગ્ય મંદિર 94.09 % અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિર 93.82 % જેટલા માતબર ગુણ મેળવી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.

 

ગ્રામ્ય સ્તરે આધુનિક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા:

 

આયુષ્માન આરોગ્ય મંદિર યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ બંને કેન્દ્રોમાં માતૃત્વ સેવાઓ, શિશુ અને બાળ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ તેમજ ચેપી અને બિન-ચેપી રોગોના નિદાન અને સારવાર જેવી 12 જેટલી પાયાની સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં, ઇમરજન્સી સેવાઓ, માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન અને આયુષ-યોગ પદ્ધતિ જેવી વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધતાને કારણે નાગરિકોને નજીકમાં જ સુરક્ષિત અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.