


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉત્સવમય અવસરે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ ના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડિજિટલ સુરક્ષા અને સાયબર જાગૃતિ અર્થે વિશેષ પહેલ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધીક્ષક મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધીક્ષકશ્રીની કચેરીથી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી સાયબર જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં ૨૦૦ જેટલા પોલીસ જવાનો જોડાઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. રેલી અને કાર્યક્રમ થકી પોલીસ જવાનો દ્વારા નાગરિકોને ઓનલાઈન નાણાકીય ફ્રોડ, સોશિયલ મીડિયા સિક્યુરિટી અને સાયબર ક્રાઈમથી બચવાના વિવિધ ઉપાયો અંગે વ્યાપક જાગૃતિ પૂરી પાડવામાં આવી હતી.



