મોરબીમાં ક્રેનનો પટ્ટો તૂટતાં અકસ્માત: એક શ્રમિકનું મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી એક ફેક્ટરીમાં ક્રેન વડે ભારે લોખંડનું પ્લેટફોર્મ ઊંચકતી વખતે પટ્ટો તૂટી પડતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ શ્રમિકોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ચલાવી હતી. ત્યારબાદ હવે ક્રેન ઓપરેટરોની બેદરકારી અને નબળા સાધનોના ઉપયોગને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું જણાતા, મોરબી તાલુકા પોલીસે બે ક્રેન ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી વિવેકભાઇ વિજયભાઇ રાજભરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ક્રેન ઓપરેટરો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, મોરબીની રવીરાજ ચોકડી પાસે, રાજકોટ-કંડલા બાયપાસ પર આવેલા ‘એ & જે માઇક્રોન્સ’ નામના કારખાનામાં ગત તારીખ ૩૧/૦૫ના રોજ સાયલો પર લોખંડનું વજનદાર પ્લેટફોર્મ ચઢાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ માટે ‘સાઇ ક્રેન સર્વિસ’ની બે હાઇડ્રો ક્રેન બોલાવવામાં આવી હતી. હાલ ત્રાજપર ચોકડી પાસે લેબર ક્વાર્ટર્સમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફરિયાદીના વર્ષીય ભાઈ સંતોષભાઈ વિજયભાઇ રાજભર અન્ય શ્રમિકો સાથે ત્યાં મદદમાં હાજર હતા. એ દરમિયાન ક્રેન ઓપરેટરોએ પ્લેટફોર્મને બે પટ્ટા વડે ક્રેન સાથે બાંધીને ઊંચકવાનું શરૂ કર્યું હતું. જોકે, ઓપરેટરોની બેદરકારી અને ક્રેન સાથે નબળા, ખરાબ પટ્ટાનો ઉપયોગ કરવાને કારણે અચાનક એક પટ્ટો તૂટી ગયો હતો. જેથી લોખંડનું ભારેખમ પ્લેટફોર્મ નીચે પટકાયું હતું. આ અકસ્માતમાં સંતોષભાઈ વિજયભાઈ રાજભરને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે કામ કરી રહેલા અન્ય ત્રણ શ્રમિકો ભીમ મહંતો, ઉપેન્દર મહંતો અને અસલમ હનીફભાઈને માથા તેમજ શરીરના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

Leave A Reply

Your email address will not be published.