ચરાડવા ગુરુકુળ પાસે પુરઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા: સારવાર દરમિયાન મોત

 

મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગુરુકુલ સામે એક અકસ્માત સર્જાયો હતો. ચરાડવા ગામે કથા સાંભળવા આવેલા એક 70 વર્ષીય વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરઝડપે આવતી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

ઘટનાની વિગતો મુજબ, જુના રાસંગપુર ગામના રહેવાસી ઘનશ્યામભાઈ ચતુરભાઈ પરમારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ અને તેમના માતા તખુબેન (ઉ.વ. 70) ચરાડવા ગામે સ્વામીનારાયણ મંદિરે સપ્તાહ સાંભળવા ગયા હતા. બપોરના સમયે તખુબેન સંબંધીના ઘરે જવા નીકળ્યા ત્યારે ચરાડવા ગુરુકુલ સામે રોડ ક્રોસ કરતી વખતે મોરબી તરફથી આવતી કાર નંબર GJ-36-R-9499 ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધાને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ચરાડવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ગુનો નોંધાતા પોલીસે કાર ચાલકને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.