વાંકાનેર મોરબી હાઈવે પર કારે અચાનક યુ ટર્ન લેતા અકસ્માત: એકનું મોત એક ઘાયલ

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે જતી એક ફોર વ્હીલ કારના ચાલકે અચાનક વળાંક લેતા બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ કરુણ અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ મુકેશભાઈ જોશીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદીના પિતા અને તેમના મિત્ર સદાકતખાન બંને મોટરસાયકલ જીજે-૩૬-એન-૪૦૬૧ લઈને કારખાને જવા નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેમનું બાઈક હસનપર ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેમની આગળ જઈ રહેલી એક ફોર વ્હીલ કાર જીજે-૩૬-એપી-૮૨૨૧ના ચાલકે રોડ પર અચાનક જ વળાંક લીધો હતો.

 

આ બેદરકારીના કારણે કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં સદાકતખાનને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદીના પિતાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે કાર નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.