મોરબીમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત ૭૭મા વન મહોત્સવની ઉજવણી

મોરબીને હરિયાળું બનાવવા ભડિયાદ ખાતે ૨.૫ લાખ રોપાના વાવેતરનું આયોજન

 

 

મોરબીમાં ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત ૭૭મા વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા મોરબી મહાનગરપાલિકના સહયોગથી શકત શનાળા ખાતે આવેલી પાટીદાર સમાજ વાડી ખાતે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકના મેયર ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતાબેન રૈયાણી, ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તથા શાસકપક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા કમિશનર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે મોરબી શહેરને વધુ હરિયાળું બનાવવા ભડિયાદ ખાતે આગામી સમયમાં અંદાજે ૨.૫ લાખ રોપાનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલે પર્યાવરણ જાગૃતિ અંગે પ્રેરણાદાયી વાત કરતાં આસામ રાજ્યના એક ગામના યુવાનનું ઉદાહરણ આપ્યું હતું, જેણે એક વૃક્ષ વાવવાથી શરૂઆત કરી ધીમે ધીમે આશરે ૧,૩૦૦ એકર વિસ્તારમાં જંગલ ઊભું કર્યું હતું. તેમણે આ દૃષ્ટાંત આપી મોરબીને પણ વધુ ને વધુ હરિયાળું બનાવવા સૌને વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે પ્રેરિત કર્યા હતા.

મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયાએ જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત વિકેન્દ્રિત પ્રજા નર્સરી તથા ખાસ અગ્રતા જૂથ યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૩ લાખ ૧૫ હજાર રોપા તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબી શહેર ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણના ક્ષેત્રે પણ આગળ વધે, શહેર હરિયાળું બને અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સુંદર પર્યાવરણ મળે એ જ આજના વન મહોત્સવનો સાચો સંદેશ હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ‘સેવ ટ્રી’ થીમ આધારિત મ્યુઝિકલ ઇવેન્ટ રજૂ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. હિરવાબેન ભુપતભાઈ છૈયાએ પર્યાવરણ જાગૃતિ અંગે પ્રવચન આપતાં વૃક્ષોના મહત્વને ઉજાગર કર્યું હતું અને “વૃક્ષોની આપણને જરૂર છે, નહીં કે વૃક્ષોને આપણી જરૂરિયાત” જેવા પ્રેરણાદાયી વિચારોથી ઉપસ્થિત સૌને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.