વાંકાનેરના દિધલીયા ગામે ડમ્પરે ખાટલામાં સૂતેલા યુવાનને કચડતા ઘટનાસ્થળે જ મોત

 

વાંકાનેરના દિધલીયા (દલડી) ગામની સીમમાં આવેલ ગંગોત્રી સ્ટોન ક્વોરીમાં એક અકસ્માત સર્જાયો છે. અહીં રિવર્સમાં આવતા એક ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ખાટલામાં સૂતેલા શ્રમિક યુવાનને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મૂળ દાહોદના અને હાલ ગંગોત્રી સ્ટોનમાં મજુરી કરતા રાહુલભાઈ મોહનિયાનો પિતરાઈ ભાઈ ક્વોરીના ડમ્પર પાર્કિંગ વિસ્તારમાં ખાટલા પર સૂતો હતો. આ દરમિયાન ડમ્પર નંબર GJ-13-AW-7520 ના ચાલક સુનિલ જયપાલે પાછળ જોયા વગર પૂરઝડપે ડમ્પર રિવર્સમાં લેતા સૂતેલા યુવાન પર ટાયર ફરી વળ્યા હતા. આ અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોઢું કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવા બદલ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.